અમદાવાદ: રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. જો કે, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો દોઢ મહિનો વીતિ ગયો છે પરંતુ હજુ જોઈએ તેવો વરસાદ સારો થયો નથી. 15 ઓગસ્ટ સુધીમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની આશા પણ નથી. પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે.
છોટા ઉદેપુરમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. છોટા ઉદેપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. પાવીજેતપુરમાં 2.7 ઈંચ અને બોડેલીમાં 1.14 ઈંચ વરસાદ નોંધાયો છે. નગરની નિઝામી સોસાયટી સહિત નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાયા છે.
રાજ્યમાં 36.17 ટકા સાથે ચોમાસાની સિઝનનો 12 ઈંચ વરસાદ નોંધાયો છે. 4 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 100 તાલુકામાં 10થી 20 ઈંચ, 94 તાલુકામાં 5થી 10ઈંચ અને 25 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 47.59 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવર ડેમમાં 46.36 ટકા પાણીનો સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 24.47, મધ્યના 17 ડેમમાં 43.73, દક્ષિણના 13 જળાશયોમાં 58.10, કચ્છના 20 ડેમમાં 23.18 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 40.90 ટકા પાણી છે.
અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં કુલ 5 લાખ 28 હજાર હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. જેમાં મગફળીનું 2 લાખ 75 હજાર હેક્ટરમાં અને કપાસનું એક લાખ 98 હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે.
ગુજરાતમાં હજું 41 ટકા વરસાદની ઘટ્ટ છે.છેલ્લા લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પંચમહાલ જિલ્લામાં ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થયો પરંતુ વાવણી બાદનો જરૂરી વરસાદ ન થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટમાં સારો વરસાદ વરસી જાય છે પરંતુ જુલાઇમાં આ વર્ષે માત્ર રાજ્યમાં 35.7 જ વરસાદ પડ્યો છે.
કેન્દ્રિય હવામાન વિભાગની આગાહી
કેન્દ્રિય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જો કે આવનાર બે દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાત વરસાદની શક્યતા બહું ઓછું છે. સ્કાઇમેટ વેધર રિપોર્ટ મુજબ આવનાર 24 કલાકમાં બિહારના કેટલા જિલ્લામાં અને ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગોમાં તેમજ પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમા પંજાબ, હરિયાણાના કેટલા વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે આટલું જ નહીં, કેન્દ્રિય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યા વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધી ગુજરાતના ભારે વરસાદની શક્યતાને નકારી છે.