અમદાવાદ: સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા આર્મી જવાન શહીદ થયા છે.  જમ્મુ અને કાશ્મીરના ફુલગ્રામ ખાતે ઇન્ડીયન આર્મીમાં ચાલુ ફરજ બજાવતા આતંકવાદીઓ સાથે અથડામણમાં મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા (ઉંમર વર્ષ-25) શહીદ થયા છે.  શહીદ જવાન મહિપાલસિંહના આવતીકાલે રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


આવતીકાલે રવિવારે અમદાવાદની સદાશિવ સોસાયટી વિરાટનગર ખાતેથી શહીદ જવાન મહિપાલસિંહની  અંતિમયાત્રા નિકળશે.  લીલાનગર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  


કાશ્મીરના કુલગામના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયેલા હોવાની બાતમીના આધારે સુરક્ષાબળોએ એક વિશેષ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. જેમાંથી એક મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા પણ હતા. 


કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ


જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ સામે કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.


આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ     


શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં કહ્યું હતું કે ઓપરેશન હલાન કુલગામ. સુરક્ષા દળોએ 4 ઓગસ્ટના રોજ કુલગામના હલાનના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી વિશેની જાણકારી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સેનાના અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટરના વિસ્તારમાં વધુ દળો મોકલવામાં આવ્યા છે.





જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થયા


આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થયા છે. સાવચેતીના ભાગરૂપે અમરનાથ યાત્રા શનિવારે (5 ઓગસ્ટ) સ્થગિત કરવામાં આવી છે.   


 





Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial