Continues below advertisement

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના મેડિકલ માફિયા ડૉ. કાર્તિક પટેલને પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કાર્તિક પટેલને સુપ્રીમમાંથી જામીન મળતા હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડના તમામ મેડિકલ માફિયાઓ જામીન મુક્ત થઈ ચૂક્યા છે. ખ્યાતિકાંડ સમયે પીડિતોને ઝડપી ન્યાય અપાવવાના દાવા અને રણનીતિઓ વચ્ચે તમામ આરોપીઓએ કાનૂની મુદ્દા રજૂ કરી જામીન મેળવી લીધા છે. જે-તે સમયે ખ્યાતિકાંડ પ્રકાશમાં આવતા જ કાર્તિક પટેલ સહિતના સામે કાયદાનો ગાળિયો મજબૂત કરવાના દાવા કરાયા હતાં.... એકલા કાર્તિક પટેલ સામે જ 6 હજારથી વધુ પાનાની ચાર્જશીટ કરાઈ હતી. જેમાં 30 સાક્ષીના નિવેદન લેવાયા હતાં. તો સાત સાક્ષીના તો મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાયા હતાં. ખ્યાતિકાંડમાં કરાયેલી ચાર્જશીટમાં કાર્તિક પટેલની ની સૂચનાથી જ ગરીબ અને અભણ નાગરિકોના બિનજરૂરી હ્રદયની સર્જરી કરવામાં આવી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.. તેમ છતાં એક બાદ એક તમામ આરોપી જામીન મુક્ત થઈ જતા પીડિત પરિવારો અને સ્વજનોમાં નારાજગી સાથે ભારોભાર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે....

ઉલ્લેખનિય છે કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જરૂરિયાત ના હોય તેવા દર્દીઓની પણ એન્જિઓપ્લાસ્ટી અને એન્જિઓગ્રાફી સહિતના ઓપરેશનો કરી સરકારની યોજના મારફતે કરોડો રૂપિયા પડાવ્યાનો ચકચારભર્યું કૌભાંડ સામે આવ્યું  હતું. આ  કેસના મુખ્ય સૂત્રધાર અને આરોપી ચેરમેન કાર્તિક જશુભાઇ પટેલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવી છૂટી ગયા છે. આ સાથે જ આ કેસના મોટા ભાગના આરોપીઓ જામીન પર મુક્ત થઇ ચુક્યા છે. ત્યારે ટ્રાયલ ક્યારે શરૂ થશે તે સવાલ છે. બીજી તરફ આ કેસમાં રાજશ્રી કોઠારી સહિતના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કાર્તિક પટેલે જામીનમાં લાદવામાં આવેલી બધી શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને કોર્ટ દ્વારા મુક્તિ ના મળે ત્યાં સુધી ટ્રાયલ દરમ્યાન નિયમિતપણે હાજરી આપવી પડશે. જો શરતોનું ઉલ્લંઘન થાય તો ટ્રાયલ કોર્ટ તેની રીતે જરૂરી પગલાં લેવા સ્વતંત્ર છે.

Continues below advertisement

શું છે ખ્યાતિ હોસ્પિટ કાંડ

આ કેસની સમગ્ર વિગત એવી છે કે, અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બર 2024ના દિવસે કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જીયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એનજીયો પ્લાસ્ટિ કરવામાં આવી હતી. જેમાંથી 2 દર્દીના મોત થતા હોસ્પિટલ પર હંગામો કરવામાં આવ્યો ત્યારે સામે આવ્યું કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા પીએમજેએવાય યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ના હોવા છતાં ખોટી રીતે ઓપરેશન કરી નખાયા હતા. નોંધનિય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી  કેટલાક  દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.