અમદાવાદઃ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે સોમવારે સવારે આવી પહોંચ્યા હતા.  અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલે ગઈકાલે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું આવતીકાલે ગુજરાત આવી રહ્યો છું.




કેજરીવાલ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટરનું ઉદઘાટન કરવા આવ્યા છે ત્યારે નવરંગપુરા પાર્ટી કાર્યાલય બહાર સ્વાગત માટે રોડ પર ગુલાબથી આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરોએ ‘અરવિંદ કેજરીવાલ સુસ્વાગતમ’  લખ્યું હતું.


કેજરીવાલના કાર્યાલય પર આવ્યા ત્યારે મહિલા કાર્યકરો દ્વારા બહાર ગરબા કરી અને ઢોલ નગારા વગાડી અને સ્વાગત કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલના આગમન પહેલાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ નવા પ્રદેશ કાર્યાલયની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.


અમદાવાદ એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ પર અનેક કાર્યકરો કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા. સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું.  ફોટો સેશનમાં પણ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા. તમામ લોકો એકબીજાથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા.