અમદાવાદઃ ગુજરાતમાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 7 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાઓની હોલ ટીકિટ (રીસિપ્ટ) નું 25 ફેબ્રુઆરીએ શિક્ષણ બોર્ડ દ્વારા વિતરણ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા હોલ ટીકિટના વિતરણ માટે દરેક જીલ્લામાં સ્કૂલો નક્કી કરવામા આવી છે જ્યાંથી તમામ સ્કૂલોએ હોલ ટીકિટ મેળવી લેવાની રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને આપી દેવાની રહેશે.
40 જેટલા કેન્દ્રો પરથી થશે વિતરણ
હાલ વિદ્યાર્થીઓ-વાલીઓ પરીક્ષાનો નંબર કઈ સ્કૂલમા આવશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સોમવાર, તા. 25 ફેબ્રુઆરી રાજ્યના તમામ જીલ્લાના વિતરણ કેન્દ્રો પર ધો.10, ધો.12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની હોલ ટીકિટો( રીસિપ્ટ)નું વિતરણ સ્કૂલોને કરવામા આવશે.આ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જીલ્લામાં મળીને 35થી40 જેટલા વિતરણ કેન્દ્રો નક્કી કરાયા છે.
ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પરીક્ષાર્થીની સંખ્યા વધી
અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમા મળીને ત્રણ સ્કૂલો વિતરણ માટે નક્કી કરાઈ છે.જેમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલ, એરોમા સ્કૂલ અને શ્રીજી વિદ્યાલયનો સમાવેશ થાય છે. આ સ્કૂલો ખાતે તમામ સ્કૂલોના પ્રતિનિધિઓએ રૂબરુ આવી વિદ્યાર્થીઓની હોલ ટીકિટો મેળવી લેવાની રહેશે.ત્યારબાદ સ્કૂલોએ વિદ્યાર્થીઓને વિતરણ કરી દેવાની રહેશે.આ વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે અને અંદાજે 17.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.