અમદાવાદઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પૂરતી રહી છે ત્યારે રાજ્યમાં દારુબંધીના કાયદાને પડકારતી અરજીનો ગુજરાત હાઇકોર્ટે સ્વીકાર કર્યો હતો.  દારૂબંધીના કાયદાને પડકારતી અરજીઓને સ્વીકારતા હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્યના એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે. અરજી કર્તાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે  ઘરમાં બેસી દારૂ પીવો તે રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે નહીં? નોંધનીય છે કે ગુજરાતમાં  લાયસન્સ ધરાવતા લોકો દારૂ ઘરે પી શકે છે.


અરજદારોએ હાઇકોર્ટમાં કરેલી અરજીઓમાં કહ્યુ હતું કે,  કાયદા પ્રમાણે આલ્કોહોલ એ ભોજનની વ્યાખ્યામાં આવે છે અને પોતાના ઘરે બેસીને કોઈ વ્યક્તિ શું ખાશે અને શું પીશે એના પર સરકાર રોક ના લગાવી શકે. અરજદારે દાવો કર્યો છે કે રાજ્ય સરકારના દારુબંધીના કાયદાથી લોકોના રાઇટ ટુ ફુડ અને રાઇટ ટુ પ્રાઇવસીના બંધારણીય અધિકારોનું હનન થાય છે. આ રજૂઆતો બાદ કોર્ટે અરજીઓને સ્વીકારીને સરકાર સહિતના પક્ષકારો પાસે જવાબ માંગ્યો છે. આ કેસની સુનાવણી માર્ચ મહિનામાં થશે. નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંધીને કારણે દારૂ પીવા કે રાખવા પર જેલની સજા થઇ શકે છે.