Lok Sabha Elections 2024: લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાનો સંકલ્પ કર્યા બાદ ભાજપે તે માટેની કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 40 લાખ જેટલા યુવા મતદારો છે. આ તમામ મતદારો ભાજપ તરફી મતદાન કરે તો 5 લાખની સરસાઇ મેળવવામાં સરળતા રહે અને એટલા માટે યુવાઓને રીઝવવાની જવાબદારી ભાજપે યુવા મોરચાને આપી છે. યુવા મોરચાએ પણ જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું છે.


ગુજરાતની અંદર 18થી 22 વર્ષના 25 લાખ જેટલા મતદારો છે અને 18થી 25 વર્ષના 40 લાખ જેટલા મતદારો છે. યુવા અને મહિલા મતદારોની સંખ્યા સૌથી વધુ છે. પરિણામે આ બંને મતદારોને આકર્ષવા ભાજપ વધુ મહેનત કરશે. ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવા યુવાઓને આકર્ષવા મહત્વના છે. પરિણામે આગામી ફેબ્રુઆરી માસમાં યુવાઓને આકર્ષવા ભાજપનો યુવા મોરચો અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.


યુવાઓને આકર્ષવા યુવા મોરચાની રણનીતિ 



  • માય ફર્સ્ટ વોટ ફોર મોદી 

  • યુવા અડ્ડા કાર્યક્રમ યોજાશે 

  • યુવા ચોપાલ કાર્યકર યોજાશે 

  • નુક્કડ ચર્ચા યોજાશે 

  • યુથ આઇકોનને વિકસિત ભારતના એમબેસેડર બનાવવા 


યુવા મોરચાના કાર્યકરો મોટા સંમેલન કરવાના બદલે 8-10 યુવાઓને મળશે અને તેમને સરકાર અને સંગઠનની કામગીરીની માહિતી આપી ભાજપને મત આપવા મનાવશે. પહેલો મત મોદીને આપવા માટે વિનવશે. આ તમામ કાર્યક્રમ યુવા મોરચા દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.


કેવી રીતે નક્કી થાય છે લોકસભા ચૂંટણીની તારીખ?


ભારતીય બંધારણની કલમ 324 મુજબ, ભારતનું ચૂંટણી પંચ ભારતમાં લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓનું આયોજન કરે છે. બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં ચૂંટણી કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. લોકસભા ચૂંટણીની તારીખ નક્કી કરવામાં પણ કમિશન સર્વોચ્ચ ભૂમિકા ભજવે છે. લોકસભાના દરેક ગૃહનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને આ પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલાં નવી ચૂંટણીઓ યોજવી જોઈએ. પંચે લોકસભા ચૂંટણીની તારીખ એવી રીતે સુનિશ્ચિત કરવાની છે કે બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય.


ચૂંટણી પંચ પણ ચૂંટણીની તારીખ નક્કી કરતી વખતે અમુક સંજોગોને ધ્યાનમાં રાખે છે. ઉદાહરણ તરીકે, એવી તારીખ હોવી જોઈએ કે ચૂંટણીના દિવસે તે વિસ્તારમાં ખૂબ ગરમી કે વરસાદ ન હોવો જોઈએ જે મતદાનને અસર કરે. આવી તારીખ પસંદ કરવામાં આવે છે જેથી કોઈ રાજકીય પક્ષને ગેરવાજબી લાભ ન ​​મળે અને ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ શકે. આ સિવાય ચૂંટણી પંચ ધાર્મિક તહેવારો, રાષ્ટ્રીય રજાઓ, વિશેષ પરીક્ષાઓની તારીખો, સુરક્ષા દળોની ઉપલબ્ધતાને પણ ધ્યાનમાં લે છે.