ગાંધીનગર: વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શું કરવું, ક્યા ક્ષેત્રમાં આગળ વધવુ તેને લઈને હંમેશા પ્રશ્ન રહેતો હોય છે. યોગ્ય માર્ગદર્શનનાં અભાવે ઘણીવાર તેજસ્વી વિદ્યાર્થીઓ સાચી દિશા પકડી શકતા નથી. જેને લઈને ગુજરાત સરકારે એક નવી પહેલ શરુ કરી છે. આ પહેલથી વિદ્યાર્થીઓને કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસની પસંદગી કરવામાં સરળતા રહેશે,.  શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરના હસ્તે અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં “કારકિર્દીના પંથે-૨૦૨૩” ડિજિટલ વિશેષાંકનું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.


 






અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા નવીન પહેલના ભાગરૂપે રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિ નિર્માણમાં સહાયક અને માર્ગદર્શક બને એવા ઉદ્દેશથી “કારકિર્દીના પંથે-૨૦૨૩” ડિજિટલ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી  ડૉ. કુબેર ડિંડોરના હસ્તે અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. 


ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો આધારસ્તંભ બનશે


ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરેલ “કારકિર્દીના પંથે-૨૦૨૩”  ડિજિટલ વિશેષાંક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને કારકિર્દીનું સાચું માર્ગદર્શન પૂરું પાડી જ્ઞાનમાં વૃદ્ધિ કરશે. જે કારકિર્દી અને વ્યવસાયનું માર્ગદર્શન પૂરું પાડી વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો આધારસ્તંભ બનશે, તેમ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું.


ધોરણ -૧૦ અને ધોરણ-૧૨ એ કારકિર્દીના મહત્વના વર્ષો છે


વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, વિદ્યાર્થી કાળમાં ધોરણ -૧૦ અને ધોરણ-૧૨ એ કારકિર્દીના મહત્વના વર્ષો છે, ત્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને સાચી દિશા અને બાળકના જીવનમાં પ્રગતિનો પાકો પંથ તૈયાર કરે છે. “કારકિર્દીના પંથે-૨૦૨૩” ડિજિટલ વિશેષાંક તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓને નિ:શુલ્ક પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી તૈયાર કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્યને સફળ બનાવવા અને રાહ ચીંધવાનો એક નવતર પ્રયોગ નીવડશે. આ પ્રસંગે સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ મહેશ મહેતા, અમદાવાદ શહેરના ડી.ઈ.ઓ આર.એમ. ચૌધરી તેમજ સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial