અમદાવાદઃ ક્યાર વાવાઝોડાની અસરને પગલે આજે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવનગર, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ઝરમર વરસાદનો પ્રારંભ થયો છે. ભાવનગર સહિત પંથકમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જોકે, કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતમાં મુકાયા છે.


નોંધનીય છે કે, ગુજરાતમાં ક્યાર વાવાઝોડાની અસરને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, ક્યાર વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા હતા. એટલું જ નહીં, દ્વારકાના દરિયાના પાણી બજારમાં ઘૂસી ગયા હતા.



ભાવનગર ઉપરાંત મહીસાગરમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વહેલી સવારથી જ વાદળો ઘેરાયા પછી કેટલીક જગ્યાએ ઝરમર વરસાદનો પ્રારંભ થયો છે. ભાઈબીજ જેવા તહેવારના સમયે અચાનક આવેલા પલટાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. એટલું જ નહીં, ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે આજે સવારે ઝરમર વરસાદ પણ વરસ્યો હતો.