અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે તકેદારીના ભાગરૂપે શહેરના પાંચ બ્રિજ લોકોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ગાંધી બ્રિજ, દધિચી બ્રિજ, આંબેડકર બ્રિજ, નહેરૂ બ્રિજ અને સરદાર બ્રિજ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. બીજી તરફ શહેરના સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ પર સરકારી કર્મચારીઓ અને પાસ ધારકો ચકાસણી કરાવ્યા પછી જઈ શકે છે.

શહેરના બ્રિજ બંધ કરી દેવામાં આવતાં આજે સવારે એલિસ બ્રિજ ઉપર એક km લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. લટાર મારવા નીકળતા લોકો પર પોલીસની તીખી નજર છે. આવશ્યક ક્ષેત્રે જોડાયેલા લોકોને આઈકાર્ડ જોઈ જવા દેવામાં આવી રહ્યા છે. કોટ વિસ્તારમાં ટ્રાફિકની આ પરિસ્થિતિ ચિંતાજનક છે. બહાર નીકળતા લોકોમાં સૌથી વધુ ટૂ વહીલર વાહનો છે. બેન્કમાં જવાના બહાના હેઠળ લોકો બહાર નીકળી રહ્યા છે.



પૂર્વથી પશ્ચિમને જોડતા મુખ્ય બ્રિજ પૈકી ચાર બ્રિજને બંધ કરવામાં આવતા ટ્રાફિકનું ભારણ બે બ્રિજ પર વધ્યું છે. જેના કારણે સામાન્ય દિવસોમાં જોવા મળતી ચહલ-પહલ લોકડાઉનના સમયમાં ચાલુ રહેલા બે બ્રિજ પર જોવા મળી રહી છે. જે પૈકી સુભાષની વાત કરવામાં આવે તો શાહીબાગ, અસારવા, એરપોર્ટ ચાંદખેડા તરફ જતાં લોકો આ બ્રિજનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ આ તમામ લોકો માસ્કથી સજ્જ પણ જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા નહેરુ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. પણ હવે વધુ 3 બ્રિજ, એટલે કે જમાલપુર બ્રિજ, ગાંધી બ્રિજ, દધિચી બ્રિજને બંધ કરવામાં આવ્યા છે.