અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકાર 31 મે પછી લોકડાઉન લંબાવશે કે નહીં એ અંગે હજુ કશું નક્કી નથી ત્યારે 31 મેના રોજ લોકડાઉન પૂરું થાય એ પછી મંદિરો ખોલવાની ધાર્મિક સંસ્થાઓએ તૈયારી દર્શાવી છે. અમદાવાદના સૌથી મોટાં મંદિરો પૈકીના એક કાલુપુર સ્વામિનારાયણ મંદિરે તો એ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.


કાલુપુરના સ્વામિનારાયણ મંદિરે જાહેરાત કરી છે કે, સરકાર દ્વારા મંદિરો ખોલવાની છૂટ મળશે તો સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી શરુ કરાશે. સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાનમો તેપ ના લાગે એ માટેની તકેદારી જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે.

દેશનાં બીજાં મંદિરોની જેમ કાલપુર મંદિર પણ છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી બંધ છે ત્યારે લોકડાઉન પછી મંજૂરી મળે તો મંદિરમાં ભક્તો ભેગા ન થાય તે માટે અલગ વ્યવસ્થા કરાશે. મંદિરમાં પ્રસાદી પહેલા સૅનેટાઇઝર આપવામાં આવશે. હાલમાં લાખો ભક્તો ઓનલાઇન દર્શન કરી રહ્યાં છે.