અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 15મી મે સવારે છ વાગ્યા સુધી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો ખોલવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ સમય આજે સવારે 6 વાગે પૂર્ણ થયો છે. ત્યારે અમદાવાદમાં આજથી આ તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે આ માટે અમદાવાદીઓએ અમુક નિયમોનું ચોક્કસ પાલન કરવાનું રહેશે.

અમદાવાદના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, સવારે 8થી 11 સુધીમાં માત્ર મહિલાઓ અને બાળકો જ ખરીદી કરવા જાય તેમજ પુખ્તવયના માણસો 11 વાગ્યા પછી જાય, જેથી આવી જગ્યાઓ પર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય. લોકોને અપીલ કરવામાં આવી છે કે, ઘરમાં બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં. કોરોના સામેની લડતમાં જાહેર શિસ્ત જરૂરી છે.

સાવધાની હટી તો દુર્ઘટના ઘટી સમજો. લોકોએ ખરીદી કરતી વખતે 2 ગજની દૂરી રાખવી જરૂરી છે. એટલું જ નહીં, માસ્ક પહેરવું આવશ્યક છે. આ ઉપરાંત ઘરમાં આવ્યા પછી કપડાં બદલી નાંખવાની, હાથ ધોઇ નાંખવાની અને ન્હાવાની પણ સલાહ રાજીવ ગુપ્તા દ્વારા આપવામાં આવી છે.