અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી વ્યથિત મહામંડલેશ્વર  હરિહરાનંદ  ભારતી બાપુ ગુમ થયા છે. વ્યથિત હોવાથી  હરિહરાનંદ ભારતી બાપુ આશ્રમ છોડી નિકળી ગયા છે. ગત રાતથી  હરિહરાનંદ ભારતીબાપુ સંપર્ક વિહોણા થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક પામ્યા બાદ  હરિહરાનંદ  ભારતી બાપુએ ગાદી સંભાળી છે. 


આ દરમિયાન  હરિહરાનંદ ભારતીબાપુનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ગુમ થયાનું કારણ પણ જણાવી રહ્યાં છે. વિડીયોમાં તેઓ કહી રહ્યાં છે કે આશ્રમના વીલમાં નામ હોવા છતાં તેમની સાથે કાવાદાવા થયા. આ ઉપરાંત ઘણા સમયથી ધાક ધમકીઓ પણ મળી રહી છે.તો તેમના નામે એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં તેમણે લખ્યું છે, 


“ હું લખનાર હરિહરાનંદ ભારતી, સરખેજ ભરતી આશ્રમનો વિવાદ  મારા ગુરુ બ્રહ્મલિન થયા બાદ ખુબ થયો છે. વીલ મારા નામનો છે, છતાં પણ હું સનાથળ આપવા તૈયાર હતો. આ વિવાદનું નિવારણ કઈ આવતું નથી. કોઈ મારુ કહ્યું માનતા નથી, હું મૂંઝાણો છું. હું કંટાળીને નીકળી ગયો છું. મને એન  કેન રીતે બદનામ કરે છે, ખોટા દબાણ કરે છે. લિ. હરિહરાનંદ ભારતી”


કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ નોંધાવી ફરિયાદ 
હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થવાના મામલે કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ વાડી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પરમેશ્વર ભારતીએ જણાવ્યું છે કે હરિહરાનંદ ભારતી બાપુ અમદાવાદથી વડોદરાના સેવક રાકેશને ત્યાં આવ્યાં હતા. રાકેશ ઇકો કારમાં તેમેં વડોદરા હાઇવે પર  કપુરાઈ ચોકડી નજીક હનુમાન મંદિર આગળ છોડી ગયો. કારેલીબાગ ખાસવાડી આશ્રમ ખાતે કાળું નામના ઈસમને ત્યાં જવાનું  કહ્યું ત્યાર પછી હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થયા છે. આ ફરિયાદના આધારે પોલીસે સીસીટીવીની મદદ લઇ હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમને પણ કામે લગાડી છે. છેલ્લે હરિહરાનંદ ભારતી બાપુ 30 એપ્રિલે રાત્રે 9 વાગ્યે જોવા માલ્યા હતા. 


93 વર્ષની વયે મંડલેશ્વર સ્વામી વિશ્વંભર ભારતી  બ્રહ્મલીન થયા
ગિરનારના જૂના અખાડાના વરિષ્ઠ મંડલેશ્વર સ્વામી વિશ્વંભર ભારતી અમદાવાદના સરખેજમાં આવેલા તેમના આશ્રમ ભારતી આશ્રમ ખાતે  93 વર્ષની વયે ગત વર્ષે 10 એપ્રિલના રોજ બ્રહ્મલીન થયા હતા. વિશ્વંભર  ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદ દવાઓનું ઔષધાલય ચલાવતા હતા. આશ્રમમાં એકે  સ્વયસંચાલીત ગુરુકુળ પણ છે. તેમના દેવલોક બાદ હરિહરાનંદ બાપુ ભારતી બાપુના નવા વારસદાર બન્યાં હતા.