અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જાહેરમાં થૂંકવાને કારણે કોરોનાનું સંક્રમણ થતું હોવાથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પાન-મસાલા કે તમ્બાકુના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ હોવા છતાં લોકો અત્યારે પાન-મસાલાનું ગેરકાયદે વેચાણ કરતાં હોવાનું અને કાળાબજારી કરતા હોવાની કેટલીય ઘટનાઓ સામે આવી છે.


આવી જ એક ઘટના અમદાવાદમાં પણ સામે આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, એક યુવક પોતાની કારમાં પાન-મસાલા લઈને ફરે છે અને ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં ગેરકાયદે પાન-મસાલાના વેચાણનો પર્દાફાશ થયો છે. કારમાં તમાકુ-પાન-મસાલાનો ધંધો કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે.

યુવક પાસેથી આશરે 3 લાખની કિંમતનો તમાકુ-ગુટકાનો જથ્થો પકડાયો છે. રામોલના રુદ્ર કોમ્પ્લેક્સમાં રહેતા મુકેશ જૈન નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે.