Gujarat Politics: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમા બે મત્રીઓ પાસેથી ખાતા પરત લેવામાં આવતા રાજકારણ ગરમાયું છે. રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના ખાતા પરત લેવામાં આવ્યા છે. હવે આ અંગે કોંગ્રેસ બીજેપી સરકાર પર પ્રહાર કરી રહી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, સી.આર.પાટીલે ચાલુ ભાષણે ફોન ઉપાડવો પડ્યો હતો.


મનિષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે, 2017માં ભાજપે જુઠ્ઠાણા ફેલાવી સત્તા મેળવી હતી. ત્રણ વર્ષમાં મંત્રી મંડળ બદવું પડ્યું. જે મંત્રીઓના વખાણ કરતા તે ખોટા ? ખેડા જિલ્લામાં જુદા-જુદા સર્વે નંબરની જમીનના કાચા ચિઠ્ઠા રાજેન્દ્ર ત્રિવેદીના હાથમાં આવ્યા હતા. જે તેમને દિલ્હીના બોસને આપ્યા. 30 હજાર ચોરસ મીટર જમીન કોના નામે હતી ? અમદાવાદમાં પણ અનેક જમીનમાં આવું થયુ છે. દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી છે. ખોટા ખેડૂતો ઉભા કરાયા હતા. પુર્ણેશ મોદીએ એક્ટ ઓફ ગોડ નડ્યો. ખાડા તો ના પુરાયા પણ મંત્રી હટી ગયા. ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.


સૌથી મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપ


તેમણે વધુમાં કહ્યું કે, મંત્રી બદલવાથી સરકારનું લૂંટનું ચરિત્ર નહીં બદલાય. 10 દિવસ પહેલા મહેસુલ વિભાગની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. 30 હજાર વાર સરકારી અને દલિતોની જમીન ભાજપના નેતાઓના ખાતે જમા થઈ છે. સુપર CMની ટાંટિયા ખેંચની રમતમાં પુર્ણેશ મોદીનો ભોગ લેવાયો છે. રાજેન્દ્ર ત્રિવેદીએ એકત્ર કરેલ પુરાવા જનતા સમક્ષ મુકવાની વાત કોંગ્રેસ પ્રવક્તાએ કરી છે. તેમનું રિપોર્ટ કાર્ડ લોકો સમક્ષ મૂકો. ભાજપમાં અંદરો અંદર ગરબડ અને મહેસુલ વિભાગમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પૂર્વ પ્રધાનો અને નેતાઓનો ભ્રષ્ટાચાર રાજેન્દ્ર ત્રિવેદીને હાથ લાગ્યો હતો. ભૂ માફિયાઓને બચાવવા આવું પગલું લેવાયું છે. દલિતો અને સરકારી જમીન કોને પચાવી પાડી તે જણાવો ? આમ હવે કોંગ્રેસે એક પછી એક આરોપ લગાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની પાસે રાખ્યાં બંને વિભાગો 


ગુજરાતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લેવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. આ બન્ને મંત્રીઓના પરત લેવાયેલા વિભાગોની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે   મહેસુલ અને માર્ગ અને મકાન વિભાગ પોતાની પાસે રાખ્યા છે, જયારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસુલ રાજ્યમંત્રી તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેમજ મંત્રી જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગના રાજ્યમંત્રીનો વધારાનો ચાર્જ આપાવમાં આવ્યો છે.


રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસે હવે ક્યાં વિભાગો? 
રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગ પરત લેવાયા બાદ હવે તેમની પાસે આપત્તિ વ્યસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર તેમજ વૈધાનિક અને સંસદીય બાબતો આ ત્રણ વિભગાઓ રહ્યાં છે.  પૂર્ણેશ મોદીની વાત કરીએ તો માર્ગ અને મકાન વિભાગ પરત લેવાયા બાદ પૂર્ણેશ મોદી પાસે વાહન વ્યવહાર, નાગરિક અને ઉડ્ડયન તેમજ પ્રવાસન અને યાત્રાધામ આ ત્રણ વિભાગો રહ્યાં છે. 









મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં હવે મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલનું કદ વધ્યું છે.  હર્ષ સંઘવીની વાત કરીએ તો તેમની પાસે ગૃહ મંત્રાલય, આપત્તિ વ્યવસ્થાપન અને પોલીસ આવાસનો રાજ્યમંત્રીનો હવાલો તેમજ  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, એનઆરઆઈ, આબકારી અને પ્રતિબંધ, સરહદ સુરક્ષાનો રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો હતો, હવે આમાં મહેસુલ વિભાગના રાજ્યમંત્રીનું પદ  પણ ઉમેરાયું છે.  જગદીશ પંચાલની વાત કરીએ તો તેમની પાસે કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલનો સ્વતંત્ર હવાલો તેમજ ઉદ્યોગ, વન-પર્યાવરણ ણ ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરીનો સ્વતંત્ર હવાલો હતો. હવે આમાં માર્ગ અને મકાનના રાજ્યમંત્રીનો વિભાગ પણ ઉમેરાયો છે.