અમદાવાદ: અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ભયંકર આગની ઘટના સામે આવી છે. અહીં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા કો-ઓપરેટીવ સોસાયટીના એક મકાનમાં ભયંકર આગની ઘટના બની છે. અમદાવાદમાં રહેણાક મકાનમાં બનાવાયેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં લાગેલી ભીષણ આગમાં બે જિંદગી હોમાઇ ગઇ છે. અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેણાંક મકાનમાં બનાવાયેલા ACના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા બેના મોત થયા હોવાના અહેવાલ છે.
મકાનમાં પાંચ વ્યક્તિ રહેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રત્યકદર્શીના જણાવ્યા મુજબ આ મકાનમાં રહેતા વ્યક્તિ એસીનું કામ કરી રહ્યા છે. ત્યાં મકાનમાં 14થી 15 બ્લાસ્ટ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા
ધારાસભ્ય અમિત ઠાકર પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ આગમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાનો પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો. આસપાસના મકાનમાં રહેલી બાળકીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જીવરાજ પાર્કમાં આવેલા મકાનમાં લાગેલી આગ એટલી બધી વિકરાળ છે કે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
ACના ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ કારણે આગ લાગી હતી. જો કે, બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જે મકાનમાં આગ લાગી છે ત્યાં આજુબાજુમાંથી કેટલીક જ્વલનશીલ વસ્તુઓ દૂર કરવામાં આવી હતી. એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી કેટલીક ગાડીઓ બળીને ખાખ થઈ હતી. હાલ તો ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
આસપાસમાં રહેલી ગાડીઓને ભારે નુકસાન
ACના ગોડાઉનમાં બાટલા ફાટતા આસપાસના મકાનો ગાડીઓ સહિતની જગ્યાઓ પર નુકશાની થઈ છે. બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. એક બાળક અને એક મહિલા ઇજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે. હાલ આગ કાબુમાં લેવામાં આવી છે. ધડાકાના અવાજે લોકોને હચમચાવી દિધા હતા. એબીપી અસ્મિતાએ ફાયર અધિકારી તેમજ વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર સાથે વાત કરી હતી. ફાયર બ્રિગેડના અધિકારીના કહેવા પ્રમાણે ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ, પરંતુ આગ કાબુમાં આવી છે.
પ્રહલાદનગર, નવરંગપુરા, જમાલપુર ફાયર સ્ટેશનમાંથી કુલ 10 જેટલી ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગ ખૂબ જ વિકરાળ હતી અને વારંવાર બ્લાસ્ટ પણ થઈ રહ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમતભર્યા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.