Gujarat Weather Update: ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને પડતા પર પાટુ જેવા હાલ ખેડૂતોના થયા છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના બાગાયતી તેમજ કઠોળ અને ધન્ય પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.


હવામાન વિભાગ દ્વારા 5,6,7 માર્ચના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદે અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યાતા છે.


રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ માવઠાની અસર જોવા મળશે એવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. જેના કારણે સાવચેતીના ભાગરૂપે નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પહેલેથી તાકીદ કરવામાં આવી છે. નવસારી જીલ્લો એ બાગાયતી વિસ્તાર ગણાય છે અને મુખ્યત્વે કેરી, ચીકુ, ડાંગર અને શાકભાજીના પાકો અહીંયા ખેડૂતો દ્વારા લેવામાં આવે છે જેમાં કોઈ પણ વધુ નુકસાની ન થાય એના માટે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટે ગાઈડલાઈન બહાર પાડી છે. 


રાજ્યમાં છેલ્લા એક દાયકાથી ઉનાળાની શરૂઆત પહેલા માવઠાની અસર જોવા મળે છે. બદલાઈ રહેલા વાતાવરણની અસરથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. આ વખતે કેરીનું ફ્લાવરિંગ સારું છે પરંતુ ભેજવાળું વાતાવરણ છેલ્લા બે દિવસથી રહેતા કેરીના પાકમાં ખરણ જોવા મળી રહ્યું છે, એવામાં જો કમસમી વરસાદ અથવા માવઠું પડે તો આ વખતે પણ કેરીનો પાક નિષ્ફળ જાય એવી શક્યતા ખેડૂતો લગાવી રહ્યા છે. તો બીજી તરફ આ માવઠાની અસર ડાંગર અને શેરડીના પાક પર નહિવત જોવા મળશે એવું હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે.


 બદલાતું વાતાવરણ એ ખેડૂતો માટે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે અને છેલ્લા ઘણા સમયથી તૈયાર થવાના આરે આવેલા પાકના પહેલા કમોસમી વરસાદ અથવા માવઠું આવતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે એવામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.