Monsoon 2022 :  ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે.  આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસું  સામાન્ય રહેશે.   ગુજરાત સહિત અન્ય પશ્ચિમ રાજ્યોનું ચોમાસું પણ સામાન્ય રહેશે. તો આ સાથે ઉત્તર ભારતમાં ફરી સારો વરસાદ થવાની સંભાવના છે. 


ભારતીય હવામાન વિભાગે વર્ષ 2022 માટે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું અનુમાન જાહેર કર્યું છે.  મોન્સૂન હવામાન વરસાદનું LPA (LONG PERIOD AVERAGE) 99% હોવાની સંભાવના છે અને એમાં 5%નો વધારો કે ઘટાડો થઈ શકે છે. અનુમાન એ પણ છે કે દેશભરમાં ચોમાસું એક જેવું જ રહી શકે છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે.


ભારતના ઉત્તરી ભાગો અને એની નજીક આવેલા મધ્ય ભારતના કેટલાક ભાગો, હિમાલયની તળેટી અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે. પૂર્વોત્તર ભારતનાં ઘણાં ક્ષેત્રો, ઉત્તર પશ્ચિમી ભારતના કેટલાક ભાગ અને દક્ષિણી ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગે આ અનુમાન 1971-2020ના ટાઈમ પિરિયડમાં 87 સેમીની એવરેજના આધારે લગાવ્યું છે, એટલે કે એમાં વરસાદ (LPA) પ્રમાણે 96 %થી 104% સુધી થશે. એ માટે વિભાગે દેશભરમાં 4132 રેનગેજ સ્ટેશન સ્ટેશનથી મળેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


હવામાન વિભાગના ડેટા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન માટે 1971-2020ના આધારે ઓલ ઈન્ડિયા લેવલ પર સામાન્ય વરસાદ 868.6 મિમી છે. આ અગાઉ 1961-2010ના આધારે 880.6 મિમી રહ્યો છે, એટલે કે એક દાયકાની અંદર 12 સેમીનું અંતર આવ્યું છે, જેને કારણે હવે ઓછા વરસાદને સામાન્ય ગણવામાં આવે છે.


2021માં જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાના દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન દરમિયાન દેશમાં સામાન્ય વરસાદ થયો હતો. આ સતત ત્રણ વર્ષ ચાલ્યું હતું, જ્યારે દેશમાં સામાન્ય કે સામાન્યથી ઉપર વરસાદ નોંધવામાં આવ્યો. આ પહેલાં 2019 અને 2020માં વરસાદ સામાન્યથી વધુ રહ્યો. આ પ્રમાણે આ સતત ચોથું વર્ષ રહેશે કે જ્યારે વરસાદ સામાન્ય હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે વિભાગે મે 2022ના છેલ્લા સપ્તાહમાં ફરી એકવાર પૂર્વાનુમાન જાહેર કરવાની જાહેરાત કરી છે.