અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદ શહેરમાં તો કોરોનાના કેસો વધી રહ્યા છે. સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા 25 કેસ નોંધાયા છે. તેમ જ 3 દર્દીના મોત થયા છે.


તાલુકા પ્રમાણે વિગત જોઈએ, તો ધોળકામાં ૯, ધંધૂકામાં ૬, દેત્રોજમાં ૫, દસક્રોઇમાં ૩ અને સાણંદ, માંડલમાં ૧-૧ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૩૨૭ થઇ ગઇ છે. જેમાંથી ૨૦૩ લોકો સાજા થયા છે, જ્યારે ૨૨ લોકોએ કોરોનામાં જીવ ગુમાવવો પડયો છે.

દસક્રોઇના મેમદપુર ગામે ૫૮ વર્ષીય પુરૂષ, મહિજડા ગામે ૩૫ વર્ષીય યુવક અને ધંધૂકા સિટીમાં ૭૦ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી ગઈ કાલે નિધન થયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં બાવળાના મીઠાપુરા ગામના ૧૨ , ઉમિયાપાર્ક સોસાયટીના ૧ , દેત્રોજના વિઠ્ઠલનગર, નદીશાળાના ૫ , ધોળકાના ૩ , સાણંદના ૪ અને દસક્રોઇના બોપલમાં ૧ દર્દી મળીને કુલ ૨૬ કોરોનાના દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.