અમદાવાદઃ બુધવારે સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં અમદાવાદના બોપલમાં એક મહિલા અને તેના પાળેલા શ્વાનનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અમદાવાદના બોપલ ગ્રાપ મંચાયત કચેરી નજીક દેવદર્શન બંગલોમાં એડવોકેટ તેમના પત્ની મીનાબેન શાહ (ઉ.45) બે પુત્ર સાથે રહે છે. બુધવારે સાંજે મૂશળધાર વરસાદ પડ્યો ત્યારે બંગલાની લોબીની જાળી સાથે પાળેલા શ્વાનને સાંકળતી બાંધી રાખ્યો હતો. ત્યારે લોબીની જાળીની નજીકથી જર્જરીત વાયર પસાર થતો હતો જેમાં શોર્ટ સર્કિટ થતાં વીજ પ્રવાહ લોખંડની જાળી અને તેની સાથે બાંધેલ સાંકળમાં વહેતો થયો હતો. વીજ કરંટને કારણે સાંકળ સાથે બંધાયેલ શ્વાન અવાજ કરવા લાગ્યું જે સાંભલી વકીલનો યુવાન પુત્ર દોડી આવ્યો હતો. તેને કંઈ ખબર ન રહેતા તે શ્વાનને વ્હાલ કરવા ગયો અને તે પણ કરંટને કારણે ચોંટી ગયો હતો. તેને બૂમાબૂમ કરતાં માતા મીનાબહેન દોડી આવ્યા હતા. ગભરાયેલી માતાએ પુત્રને તો ખેંચી લીધો પરંતુ તરફડિયાં મારી રહેલા શ્વાન સાથે મીનાબહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું.