અમદાવાદઃ ગઈ કાલથી નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે. જોકે, આ વખતે વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. બીજા નોરતે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. ભાવનગરના પાલીતાણા પંથકમાં વરસાદના કારણે પાલીતાણાથી રોહિશાળા જતો માર્ગ બંધ થયો હતો. પાલીતાણાથી રોહિશાળા જતો માર્ગ બંધ થતાં 8 ગામોનો રસ્તો બંધ થયો છે. પાલીતાણાથી ડુંગરપર, રોહીશાળા, ગણધોળ, હસ્તગીરી, જાળીયા, મુનકીધાર, હાથશણી નાનાજળિયા સહિતના ગામોમાં જવાનો માર્ગ બંધ થયો છે. રોડ પર કીચડના થર જામતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 


અમરેલી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે. બગસરાના લૂંઘીયા સહિત આસપાસના ગામોમાં વરસાદ  પડી રહ્યો છે. વરસાદને પગલે ગામની સ્થાનિક નદીમાં પાણીની આવક થઈ. લોકો નદીના પુરને નિહાળવા પહોંચ્યા હતા. તો બીજી બાજુ અમરેલીના નાના ભંડારીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો, તો ધારી પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. 


જામનગરના  લાલપુર પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. લાલપુરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, ઉમાધામ સોસાયટી, બસ સ્ટેન્ડ ચોક, સરદાર પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. 


બારડોલી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભારે બાફાર બાદ અચાનક વરસાદ પડ્યો હતો. બારડોલી નગરના માર્ગો પાણી પાણી થયા હતા. નગરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આશાપુરી મંદિર નજીક ભરાયા પાણી. અનેક વાહનો પાણીમાં બંધ થયા હા. 


જૂનાગઢના કેશોદ શહેર તાલુકાભરમાં મેઘરાજાનું આગમન થયું છે.  સવારથી અસહ્ય ગરમી બાદ બપોર પછી વરસાદી માહોલ સર્જાયો. ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા કેલિયા ડેમ પર વરસાદ પડ્યો. કેલિયા ડેમ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ. વરસાદ આવતા તાપમાનમાં સામાન્ય ઘટાડો તો બીજી તરફ ખેડૂતોમાં ચિંતા.


તાપી જિલ્લાના વ્યારામા વરસાદ  પડ્યો હતો.  ડોલવણ, વાલોડ,બાજીપૂરા, કપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.  સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. વડોલી, ઉમરાછી, ટકારમાં, ભાદોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.  મોરબી શહેરમાં વરસાદ પડ્યો હતો. રાત્રીથી ગરમીના ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદ વરસી પડ્યો હતો  મોરબીના ઝૂલતાપૂલ, સાવસર પ્લોટ, દરબારગઢ, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.