સમગ્ર વિશ્વમાં આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ઘણી એવી મહિલાઓ હોય છે જે અન્ય મહિલાઓને આગળ લાવવા માટે સતત મદદરુપ બનતી હોય છે.   ફેમટેક પાર્ટનર્સનાં સ્થાપક અને સીઈઓ નેહા મહેતાએ મહિલાઓને આર્થિક રીતે પગભર કરી  આત્મનિર્ભર બનાવી છે.   આર્થિક સેવાઓમાં વિશેષ કરીને મહિલાઓ માટે સુલભ બનાવી છે. ક્યારેય નહીં હારવાનો એમનો અભિગમ તેઓ ધરાવે છે અને તેઓ સતત ડિજિટલ, આર્થિક અને લિંગ આધારિત અવકાશને ભરવા માટે પ્રયત્નશીલ રહે છે.




આપણે ભલે ગમે તેટલે સુધી પહોંચ્યા હોઈએ છતાં હકીકત એ છે કે કામકાજના વિશ્વમાં, મહિલાઓની સત્તા, તેમના પગાર અને નેતૃત્વલક્ષી સ્થાનોના મામલે હજી સમાજમાં અંતર પ્રવર્તે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ હજી પણ વ્યાવસાયિક વિશ્વમાં જોવા મળે છે. વિશેષ કરીને આર્થિક અને ટેક્નોલોજીના એટલે કે ફિનટેકના વિશ્વમાં મહિલાઓની ક્ષમતા અને તેમના યોગદાનને નજરઅંદાજ કરવામાં આવે છે. આજે પણ એવી અનેક મહિલાઓ છે જેઓ વ્યાવસાયિક વિશ્વમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે.  જેઓ કારકિર્દી ઘડવા ઉત્સુક હોય તેવી મહિલાઓને નેહા મહેતા માર્ગદર્શન પૂરું પાડે છે. 


નેહા મહેતા જણાવે છે કે,  જેઓ દ્રઢ નિર્ધાર ધરાવે છે તેઓ કશું પણ કરી બતાવી શકે છે એવું મારું માનવું છે. ઉદ્યોગ જગતમાં આપણે પોતે સખત મહેનત કરીને અને બીજા માટે દ્રષ્ટાંતરૂપ એવું કાર્ય કરીને એ પરિવર્તનને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ જેની આપણે અપેક્ષા સેવતા હોઈએ. લોકોના અભિગમ અને અજાણપણે થઈ જતાં પૂર્વગ્રહ કે પક્ષપાતના નિવારણનું કામ એક રાતમાં નહીં થાય, પણ મારું માનવું છે કે એ નિવારણ બિલકુલ શક્ય છે.