અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં બે દિવસ સંપૂર્ણપણે કરફ્યૂ લદાયા બાદ અમદાવાદમાં હવે નાઈટ કરફ્યુ લાદી દેવાયો છે. આ કરફ્યુ 7 ડીસેમ્બર સુધી લંબાવાયો છે. પોલીસ કમિશ્નરે કરેલી જાહેરાત પ્રમાણે 7 ડિસેમ્બર સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો કડકપણે અમલ કરવામાં આવશે.

શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને લોકોને ઘર બહાર કે જાહેર જગ્યાએ ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મિડિયા, દૂધ, તબીબી સેવાઓ અને મેડિકલ સ્ટોર સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓને છૂટછાટ આપવામાં આવી છે.



શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડયું છે અને અમદાવાદ શહેરમાં 23 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાના પગલે શહેરના તમામ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કરફ્યુનો કડકપણે અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે, રહેવાસીઓએ ઘરની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગે જાહેર રસ્તાઓ કે શેરીમા પણ એકઠા થવું નહી. આ ઉપરાંત પગપાળા અથવા વાહન મારફતે હરીફરી શકાશે નહી. દિવાળીના તહેવાર દરમિયાન લોકો ખરીદી કરવા ઉમટી પડતાં બજારોમાં ભારે ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધી જતાં કોરોનાની સ્થિતી વિસ્ફોટક બની છે.