ગાંધીનગર: કોરોના સંક્રમણને લઈને અમદાવાદ શહેર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની કોવિડ-19 હોસ્પિટલમાં 84 ટકા બેડ ખાલી હોવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે. દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કેસ જરૂરથી ઘટ્યા છે પરંતુ સતર્કતા રાખવી પણ જરૂરી છે. કારણ કે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી.


રવિવારે અમદાવાદ શહેરમાં 12 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરાયા હતા. અને એક પણ નવા વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં નથી આવ્યો. હાલ કુલ 86 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર છે. હવે માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના રવિવારે 239 કેસ નોંધાયા હતા. જ્યારે 259 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના વાયરસના સંક્રમણથી રવિવારે 8 લોકોના મોત થયા હતા.