અમદાવાદઃ શહેરમાં કોરોના સામે એન્ટીબોડી ડેવલપ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. AMCએ શહેરમાં હર્ડ ઇમ્યુનિટી હોવાની વાત ફગાવી દીધી છે. 16 જૂનથી 11 જુલાઈ દરમિયાન એન્ટીબોડી માટે 30,000 લોકોના રિપોર્ટ લેવાયા હતા. 30,000 પૈકી માત્ર 17.5 ટકા નાગરિકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે. AMCના અધિકારીઓએ દિલ્હી સ્થિત ICMR ચેરમેન ડો. બલરામ ભાર્ગવ સાથે ચર્ચા કરી હતી. આધિકારીક રીતે આવો કોઈ સર્વે ICMRએ ન કર્યો હોવાનો AMCએ સ્વીકાર કર્યો છે.


અમદાવાદ મહાનગરપાલિકાના સાત ઝોનમાં 16 જૂનથી 11 જુલાઈ સુધી થયેલા સર્વે અને સેમ્પલના આધાર પર અમદાવાદ મહાનગરપાલિકાએ મોટો દાવો કર્યો છે. શહેરના આ સાત વિસ્તારોમાંથી લેવાયેલા 30 હજાર લોકોના સેમ્પલોમાંથી સાડા સત્તર ટકા એટલે કે 5,263 લોકોમાં એન્ટી બોડી ડેવલપ થયેલી જોવા મળી. એટલે કે, માત્ર આ સાત ઝોનના 30 હજાર લોકો પૈકી પાંચ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા અને તેમાંથી બહાર પણ નીકળી ગયા હોવાનું જોવા મળ્યું.

સેમ્પલ લેવાયેલા લોકો પૈકી લગભગ 18 ટકા જેટલી મહિલાઓ તો, સવા 17 ટકા પુરુષોમાં એન્ટી બોડી ડેવલપ થયેલી જોવા મળી. જો કે, 70થી 80 ટકા લોકોમાં એન્ટી બોડી ડેવલપ થઈ હોય તો જ તેને હર્ડ ઈમ્યુનિટી કહી શકાય. જે સેમ્પલ લેવાયા હતા તે પૈકી અમદાવાદના મધ્યઝોનમાં 28.43 ટકા, ઉત્તર ઝોનમાં 27.42, પૂર્વ ઝોનમાં 23.22 અને દક્ષિણ ઝોનમાં 16.15 ટકા લોકોમાં એન્ટી બોડી જોવા મળી. જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 13.43 ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થઈ.