અમદાવાદ: રૂપિયા 500 અને 1000ની જૂની નોટ પરની નોટબંધી મામલે ગુજરાત હાઇકોર્ટે કેંદ્રને ખુલાસો કરવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે કેંદ્રને અને RBIને નિર્દેશ કરતા જણાવ્યુ કે, 5 ડિસેંબર સુધીમાં જિલ્લા સહકારી બેંકો પર લગાવાયેલા પ્રતિબંધ વિશે પિટિશનમાં કરાયેલા આક્ષેપનો ખુલાસો કરે, સાથે જ હાઇકોર્ટે કેંદ્રને ટકોર કરી છે કે 1 લી તારીખે લોકોનો પગાર થાય એ પગાર ઉપાડવા જેટલા પૈસા બેંકોમાં પહોંચાડજો, નહીતો ખરી સમસ્યા એ પછી દેખાશે.
હાઇકોર્ટે કેંદ્રને વેધક સવાલ પુછ્યો છે કે, જિલ્લા સહકારી બેંકોમાં જેમના નાણા જમા છે તેમને ઉપાડવાની છૂટ શા માટે નથી અપાતી? અને પૈસા જમા કરાવવા માટે પણ શા માટે પ્રતિબંધ લગાવાયો છે? કોર્ટે એમ પણ ટકોર કરી છે કે સીમાંત ખેડૂતોને પડતી તકલીફોને દૂર કરવા માટે પણ કેન્દ્ર સરકારે શું પગલાં લીધા છે તેનો પણ સરકાર ખુલાસો કરે.
ભાવનગર જિલ્લા સહકારી બેન્ક તરફથી કરાયેલી અરજીના પગલે હાઇકોર્ટે આ નિર્દેશો જારી કર્યા છે. અરજદાર બેન્કની રજૂઆત છે કે બેન્ક પાસેની રૂપિયા 130 કરોડ રૂપિયાની થાપણો રિઝર્વ બેન્ક સ્વીકારી રહી નથી. સાથે જ જે ખેડૂતો પોતાની લોન ચૂકવવા માંગે છે તેઓની પર પૈસા ભરવા પર રોક હોવાના કારણે તેમની તકલીફો પણ વધી છે. આ મામલે 5 ડિસેમ્બરે વધુ સુનાવણી થશે.