અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે એકવાર ફરીથી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 4300ને પાર થઈ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો 3500ને પાર થઇ ગયા છે. આ આંકડો ખૂબ જ મોટો છે.


અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના એક્ટિવ કેસોને લઈને અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો છે કે, અમદાવાદમાં બેડ, ઓક્સિજ,ICUની ઘટ છે. વધી રહેલા કોરોના કેસને લઈ એએમએ દ્વારા રાજ્ય સરકાર પાસે મહત્વની માંગ કરવામાં આવી છે.

તેમણે અમદાવાદના દર્દીને પ્રાથમિક આપવાની માંગ કરી છે. અન્ય રાજ્ય અને અન્ય જિલ્લામાંથી શહેરમાં અવરજવર વધી હોવાથી કેસો વધી રહ્યા હોવાનો દાવો પણ એએમએ દ્વારા કરાયો છે. છેલ્લા એક સપ્તાહમાં 250 કેસ મધ્યપ્રદેશ, રાજસ્થાનથી આવેલા લોકોના નોંધાયા છે. હાલ અમદાવાદમાં બેડ, ઓક્સિજન, ICUની ઘટ હોવાનો પણ AMAએ દાવો કર્યો છે તેમજ હાલની સ્થિતિને જોતા અમદાવાદના સ્થાનિક દર્દીનો ઈલાજ જરૂરી હોવાનું જણાવ્યું છે.