અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ કંટ્રોલમાં આવી ગયું હતું. તેમજ એક્ટિવ કેસો 3 હજારની અંદર આવી ગયા હતા. જોકે, અનલોકમાં છૂટછાટ મળતા ફરીથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ગઈ કાલે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 180 કેસ નોંધાયા છે.


અમદાવાદ કોર્પોરેશનની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે 27મી સપ્ટેમ્બરે શહેરમાં 3810 એક્ટિવ કેસો હતા. તેમજ કુલ કેસો 33,691 છે. જ્યારે અત્યાર સુધીમાં શહેરમાં 28,124 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 1757 લોકોના કોરોનાથી મોત થયા છે.

હાલ, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે. એક્ટિવ કેસોની સંખ્યાની રીતે જોઇએ તો સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 672, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 670 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 608, દક્ષિણ ઝોનમાં 568, પૂર્વ ઝોનમાં 545, ઉત્તર ઝોનમાં 376 અને મધ્ય ઝોનમાં 371 એક્ટિવ કેસો છે.

પશ્ચિમ ઝોનમાં મોટેરા, ચાંદખેડા, સાબરમતી, નવા વાડજ, એસપી સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી, વાસણા, રાણીપ,નારાણપુરા સહિતના વિસ્તારોના સમાવેશ થાય છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ, વેજલપુર, જોધપુર, બોપલ-ઘૂમા અને મક્તમપુરાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે.

પશ્ચિમ અમદાવાદમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે કોર્પોરેશન દ્વારા ગઈ કાલે રાત્રે દસ વાગ્યા પછી આ વિસ્તારોમાં ખાણી-પીણીની બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે.