અમદાવાદઃ રાજ્યમાં આહાર અને પોષણ પર સંવાદ માટે અમદાવાદમાં એક રાષ્ટ્રીય કક્ષાનુ સંમેલન શરૂ થયુ છે. અમદાવાદના ધ ઈન્ડિયન ડાયટેટિક્સ એસોસિયેશનની ગુજરાત શાખા દ્વારા આગામી 19, 20 અને 21 ડિેસેમ્બર સુધી ત્રિદિવસીય સંમેલન યોજવામાં આવ્યુ છે. આ સંમેલન શહેરના ધ ફોરમ, ક્લબ 07, અમદાવાદ ખાતે ઈન્ડિયન ડાયટેટિક એસોસિયેશનની 52મી વાર્ષિક કોન્ફરન્સ અંતર્ગત કરવામાં યોજાયુ છે.

પોષણ અને આહાર વિજ્ઞાન પર યોજાયેલા આ રાષ્ટ્રીય સંમેલનમાં તકોની શોધ, આહાર સશક્તિકરણ, જીવનધોરણને સમૃદ્ધ બનાવવું સહિતની મુખ્ય થીમ હશે. આ સંમેલન દેશમાં આહાર વિશેષજ્ઞો તથા પોષણ વિજ્ઞાનીઓનું સૌથી મોટું સંમેલન બની રહેશે.

સંમેલનમાં સુપ્રસિદ્ધ વક્તાઓ, જ્ઞાનસભર ચર્ચાઓ તથા તદ્દન નવા સત્રોએ આઈડીએકોન 2019ની સૌથી આગવી વિશેષતા છે. ગર્ભાવસ્થામાં હાઈપરગ્લાયકેમિયા, બેરિયાટ્રિક ન્યુટ્રિશન, ટીએચએએનડીએવી (ટેકિંગ હિટ એન્ડ ડાન્સ ટુ એડોલ્સન્ટ્સ ફોર વિક્ટરી ઓવરએનસીડીસ), ઈન્ટિગ્રેટિવ ન્યુટ્રિશન, ન્યુટ્રિશન ઈન ક્રિટિકલ કેર તથા ગટ એન્ડ બિયોન્ડ (ન્યુટ્રિશ્નલ ઈન્ટરવેન્શન્સ ઈન ગેસ્ટ્રો ઈન્ટેસ્ટાઈનલડિસીઝ) પરની કાર્યશિબિરો વિવિધ ક્ષેત્રોમાં તાજેતરમાં થયેલી ઘટનાઓનો સર્વાંગી ચિતાર ઉપલબ્ધ બનાવે તે રીતે તૈયાર કરાઈ છે.



એટલુ જ નહીં કોન્ફરન્સમાં મેદસ્વીતા, કેન્સર, પીડિયાટ્રિક ન્યુટ્રિશન, નેફ્રોલોજી, ડાયબિટીસ, ફૂડ ફોર્ટિફિકેશન, લિવરની તંદુરસ્તી, હૃદય સંબંધિત તંદુરસ્તી, હાડકાં અને સ્નાયુઓની તંદુરસ્તી, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન, ન્યુટ્રિશન અને ફર્ટિલિટી, કુપોષણ તથા અન્ય અનેક વિષયો પર ચર્ચાઓ, પેનલ ડિસ્કશન્સ અને સંવાદ પણ યોજાશે.

ક્લિનિકલ ડાયટેટિક્સ, એક્સપેરિમેન્ટલ ન્યુટ્રિશન, ક્લિનિકલ કેસ પ્રેઝન્ટેશન્સ, ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તથા કમ્યુનિટી ન્યુટ્રિશન જેવી વિવિધ શ્રેણીઓમાં દેશભરના યુવા વૈજ્ઞાનિકો દ્વારા શોધપત્રોની રજૂઆત કરાશે જે ફૂડ, ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ ક્ષેત્રે વર્તમાન પ્રવાહોની જાણકારીની આપ-લે માટે મહત્ત્વનો મંચ ઉપલબ્ધ બનાવશે.