અમદાવાદ: આમ આદમી પાર્ટી હવે દિલ્હીથી બહાર નિકળી પોતાનું વિસ્તરણ કરી રહી છે. દિલ્હી મોડેલથી આકર્ષિત થઈને પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને સત્તાની ચાવી સોપી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 વિધાનસભા બેઠકો પર જીત મળી છે. હવે પજાબમાં મળેલી બમ્પર જીતને લઈને કેજરીવાલનો પ્લાન ગુજરાત સર કરવાનો છે. નોંધનિય છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2જી એપ્રિલના રોજ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા સીએમ ભગવંત માન અમદાવાદમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત બપોરે 3 વાગેથી બાપુનગરના આંબેડકર હોલથી ખાતેથી થશે અને નિકોલમાં આવેલા ખોડીયાર માતાના મંદિરે રોડ શો પૂર્ણ થશે. આ રોડ શો ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપાનગર અને જીવણવડી વિસ્તારમાંથી પસાર થશે. રોડ શો પૂર્ણ થયા બાદ જાહેર સભા યોજાશે જેમા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ સંબોધન કરશે.


પંજાબમાં 25 હજાર નોકરીની જાહેરાત


Punjab Cabinet: પંજાબની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને શાનદાર જીત મળી હતી. ત્યારે આજે નવ નિર્મિત સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં સીએમ ભગવંત માને 25 હજાર નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. તેમણે બેરોજગારી દૂર કરવા માટે વધુંમાં વધુ નોકરી આપવાનું વચન આપ્યું છે. આ જાહેર કરેલી નોકરીઓમાં 10 હજાર નોકરીઓ પોલીસ વિભાગમા છે જ્યારે 15 હજાર નોકરીઓ બીજી અલગ અલગ વિભાગમાં છે.


 




કેબિનેટે લીધેલા નિર્ણય મુજબ એક મહિનામાં આ નોકરીઓ બહાર પાડવામાં આવશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે વચનો આપ્યા છે તેમા સરકારી શાળાઓ અને હોસ્પિટલોની સ્થિતિ સુધારવી, યુવાનોને નોકરી આપવી આ ઉપરાંત 300 યૂનિટ વીજળી ફ્રી આપવાની વાત સામેલ છે. એટલું જ નહીં અરવિંદ કેજરીવાલે પંજાબમાં 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાનો પણ વાયદો કર્યો હતો. સાથે સાથે પંજાબમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને ડ્રગ્સના દુષણને દૂર કરવાનો પણ વાયદો કર્યો હતો.


આ પહેલા પંજાબના નવા સીએમ માને જાહેરાત કરી હતી કે 23 માર્ચના રોજ શહીદ દિવસ પર રાજ્યમાં એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. માને કહ્યું કે લોકો વ્હોટ્સએપના માધ્યમથી ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરી શકશે. આ પહેલા માને 16 માર્ચના રોજ સીએમ તરીકેના શપથ લીધા હતા. આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 92 બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો હતો.