અમદાવાદઃ ગુજરાતમાં એક દિવસના મુખ્યમંત્રી બનવાની માંગ કરનાર ધોલેરાના યુવકની ઓડિયો ક્લિપ ભારે વાયરલ થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વાત કરનાર યુવક કોણ છે, તેને લઈને પણ હાલ ભારે ચર્ચા જાગી છે. તેમજ સોશિયલ મીડિયા પર લોકો આ ક્લિપ ઝડપથી શેર પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર તપાસ કરતાં લાલજી મીઠાપરા નામના યુવકનું એક આઇડી મળી આવ્યું છે. જેમાં આ વ્યક્તિએ પોતાનો ફોટો વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં મૂક્યો છે. તેમજ તેમાં ભાલ વિસ્તારના લાલજીભાઈ મીઠાપરા નાયબ મુખ્યમંત્રી સાથે સંવાદ કરતા એવું લખવામાં આવ્યું છે.

પેજ અંગે તપાસ કરતા આ વ્યક્તિ હેબતપુરની હોવાનું જણાવ્યું છે. તેમજ પેજમાં મુકેલા અન્ય વીડિયોમાં તે પોતાનું નામ લાલજી મીઠાપરા જણાવી રહ્યા છે. વીડિયો અને ઓડિયો ક્લિપનો અવાજ અને લહેકો પણ મળતો આવે છે, જેથી નીતિન પટેલને ફોન કરનાર અને ફેસબૂક આઇડીની વ્યક્તિ બંને એક જ હોય તેવું લાગી રહ્યું છે. આ યુવક રામામંડળનો કલાકાર છે, જેણે તેના આઇડી પર તે રામા મંડળમાં અલગ અલગ વેશ ધારણ કરતો હોવાના વીડિયો પણ મૂક્યા છે. એટલું જ નહીં, તે ભજન ગાતો પણ નજરે પડે છે.

નોંધનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ધોલેરાના હેબતપુરાના લાલજીભાઈ મીઠાપરા નામની વ્યક્તિએ ફોન કર્યો હતો. તેમણે નીતિન પટેલને જણાવ્યું હતું કે, તેમના ગામની વસતિ 10થી 12 હજારની છે. તેઓ એક દિવસના મુખ્યમંત્રી બનવવા માંગતા હોવાનું જણાવી રહ્યા છે. યુવકની વાત સાંભળીને નીતિન પટેલ ખડખડાટ હસી પડ્યા હતા. જોકે, આ ઓડિયો ક્લિપની સત્યતા અંગે એબીપી અસ્મિતા કોઈ દાવો કરતો નથી.