અમદાવાદ: અમદાવાદના ઈન્દિરા બ્રિજ પાસે મધર ડેરી નજીક કારમાં અચાનક આગ લાગી હતી. ગાડીમાં આગ લાગતા કારમાં સવાર વ્યક્તિ બળીને ભડથું થયા હતા. કારમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

અમદાવાદના ઇંદિરા બ્રીજ પાસે મધર ડેરી નજીક કારમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. કાર ચાલક કારમાં ફસાઇ જતા બહાર નીકળી શક્યા નહોતા.આ ઘટના બાદ પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.


અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા 42 વર્ષના યોગેશ પ્રજાપતિ પોતાના નરોડા સ્થિત કાકાની અંતિમ ક્રિયામાં જવા સમયે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઇન્દિરા બ્રિજ પાસેની મધર ડેરી સામે બલેનો ગાડી ગરમ થઇ જવાના કારણે કારચાલક અંદરથી બહાર નીકળી ન શકતા ગાડીમાં જ સળગીને મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોના મતે છ મહિના પહેલા પેટ્રોલથી ચાલતી બલેનો કાર ખરીદી હતી.

સાયન્સ સિટીથી નરોડા જતા રસ્તામાં ગાડી ગરમ થઇ જવાના કારણે મૃતક ગાડીની બહાર ન નીકળી શકયા હતા. એટલું જ નહીં મૃતકના પરિવારજનોએ પણ આગ લાગવાના સમયે ગાડીમાં કરંટ લાગતો હોવાના કારણે ગાડી નજીક કોઈએ જવાની હિંમત ન કરી હોવાનું જણાવ્યું હતું.