Ahmedabad News:  વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતી પરિવારો મોતના મુખમાં ધલેકાઈ રહ્યાના કિસ્સા છેલ્લા એક વર્ષથી સામે આવ્યા છે. ગાંધીનગરના ડિંગુચાનો પરિવાર અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર મોતને ભેટ્યાના કિસ્સા સામે જ છે. આમ છતાં ગુજરાતીઓનો અમેરિકાનો મોહ છૂટતો ન હોય એવો વધુ એક કિસ્સો આવ્યો છે. એમાં અમેરિકા જવાના મોહમાં એક દંપતી ઈરાનમાં કિડનેપ થયું હોવાનું સામે આવ્યું છે.

કિડનેપ દંપતીના પરિવારને વીડિયો મોકલીને ખંડણીસ્વરૂપે રૂપિયાની માગણી કરવામાં આવી છે. આવો જ એક વીડિયો અમને મળ્યો છે, પરંતુ એ વીડિયોની પુષ્ટિ અમે કરતું નથી. મોકલાયેલા વીડિયોમાં બ્લેડના અસંખ્ય ઘા મારતાં યુવક લોહીલુહાણ થઈ જાય છે. એટલું જ નહીં, લોહીથી લથપથ હાલતમાં કણસતો યુવક કહી રહ્યો છે, માગે એટલા રૂપિયા આપી દો.... છતાં બેરહેમ કિડનેપર્સ તેની પર દયા ખાતા નથી. યુવકને તેની અમેરિકા જવાની ઘેલછા તેને મોતના મુખમાં ધકેલી દે છે.





યુવકના અપહરણની પોલીસને અરજી મળી


આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ અમરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે યુવકને અમેરિકા જવા માટેની ડીલ નક્કી થઈ હતી, પરંતુ તેને ત્રણથી 11 તારીખ સુધી હૈદરાબાદ રાખવામાં આવ્યો હતો અને ત્યાંથી ઈરાન લઈ જવામાં આવ્યો હોય એવું હાલ લાગી રહ્યું છે, પરંતુ અમે તપાસ કરી રહ્યા છે, હાલ અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

પીઠ પર બ્લેડના ઘા


સામે આવેલા વીડિયોની અંદર યુવકને ઊંધો સૂવડાવી દેવામાં આવ્યો છે અને એક વ્યક્તિ તેના પીઠ ઉપર બ્લેડ વડે સંખ્યાબંધ વાર ઈજા પહોંચાડે છે. થોડીવારમાં આખી પીઠ લોહીથી ખરડાઈ જાય જાય છે અને દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરી રહ્યો છે. જો આ યુવકનું અપહરણ થયું હોય તો અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક યુવક ફસાયો હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે.





અમેરિકા જવા એજન્ટ સાથે ડીલ થઈ હતી


અમદાવાદના નવા નરોડામાં રહેતા સંકેત પટેલનાં ભાઈ-ભાભી ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. જોકે સંકેત પટેલના કહેવા પ્રમાણે, એજન્ટને એડવાન્સમાં એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.