AHMEDABAD : અમદાવાદ શહેરમાં વધુ એક વાર અંગદાન કરવામાં આવ્યું છે. બોપલ અમદાવાદ ખાતે રહેતા નિશાંતભાઈ મહેતાનો અકસ્માત થતાં બોપલ ખાતેની BITC Super speciality hospital માં શુક્રવારે 18-03-2022ના રોજ  દાખલ કરવામાં આવ્યા જ્યાં બ્રેન ડેડ જેવી સ્થિતિ સર્જાઈ. બાદમાં વધુ સારવાર અર્થે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા. જ્યાં બ્રેન ડેડ જાહેર કરતા પરિવાર દ્વારા અંગદાન કરવાનો હિંમત ભર્યો નિર્ણય લેવામાં આવ્યો. 


આ અંગે  કિડની હોસ્પિટલ ના નિયામક શ્રી વિનીત મિશ્રાએ એક નિવેદનમાં જણાવ્યું,  “નીશાંતભાઈના હૃદય, 2 કિડની, લીવર અને 2 આંખો જેવા અંગોનું દાન કરવામાં આવ્યું.જેમાંથી હૃદય મુંબઈ ખાતેની રિલાયન્સ હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા મોકલાયું. કિડની અને લીવર જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું.”


ડો મિશ્રાએ વધુ માં જણાવ્યું કે નિશાંતભાઈ મહેતાના પરિવારના આ નિર્ણયથી 6 લોકોને નવજીવન મળ્યું છે. કિડની હોસ્પિટલ સમગ્ર પરિવારનું આજીવન આભારી રહેશે.


ગત 13 માર્ચે અમદાવાદ સિવિલમાં થયું 40મુ અંગદાન 


ગત 13 માર્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 40મું અંગદાન થવાથી ત્રણ જરૂરિયાતમંદ પીડીત દર્દીઓને નવજીવન મળ્યું છે. મોરબીના કાંતિભાઇ ગરાળાનું ઘટનાસ્થળે માથા પર ગંભીર ઉજા થવાથી તેમનું બ્રેઇનડેડ થઇ જતાં તેમની બે કિડની અને 1 લીવરનું દાન કર્યું હતું. કાંતિભાઇના પરિવારજનોએ હોસ્પિટલમાં ભીંત પર અંગદાનની જાગૃતિ અંગેનું પોસ્ટર વાંચીને અંગદાન આપવાનો નિર્ણય લીધો હતો.સિવિલ હોસ્પિટલના ડોકટર રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 14 મહિનામાં 40 અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે. આ દાન થકી 122 અંગો દ્વારા 106 જરૂરિયાતમંદ પીડીત દર્દીઓને નવજીવન મળ્યું છે. 


કિડની હોસ્પિટલમાં થયેલા કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ 


અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વર્ષ 2020માં 183 અને અત્યાર સુધીમાં કુલ 6191 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 2020માં 34 અને અત્યાર સુધીમાં 420 લીવર ટ્રાન્સપ્લાન્ટ અને 2020માં 49 અને અત્તર સુધીમાં 572 રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.