અમદાવાદઃ 12 ઓગસ્ટે બોપલમાં આવેલ તેજસ સ્કૂલ પાસે સંસ્કૃતિ ફ્લેટની નજીક 20 વર્ષ જૂની 30 ફૂટ ઊંચી પાણીથી છલોછલ ઓવરહેડ ટાંકી અચાનક ધસી પડી હતી જેમાં ત્રણ યુવકનાં મોત થયાં હતાં. જોકે મંગળવારે આ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

આ સીસીટીવી પ્રમાણે જ્યારે પાણીની ટાંકી નીચે પડી હતી ત્યારે એક યુવક ભાગી રહ્યો હતો જોકે તેની સમયસુચકથી ભાગીને પોતાનો જીવ બચાવી લીધો હતો. તેમજ ઘણાં લોકો પોતાના બાળકો સાથે ભાગી રહ્યા છે અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાર બાદ ટાંકીની આસપાસ અફડા તફડી સર્જાઈ હતી અને લોકોનું ટોળું એકઠું થઈ જાય છે તે દ્રશ્ય આ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે.

ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં કેટરિંગના ધંધા માટે બનાવેલા શેડ અને ઝાડ પર આ ટાંકી પડી હતી. શેડ અને ઝાડ નીચે 4 લોકો દટાયા હતા જેમાંથી ત્રણનાં મોત થયાં હતાં. જોકે બે કલાકની ભારે જહેમત બાદ એક યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. ટાંકી પડી ત્યારે ખુલ્લામાં કામ કરી રહેલા ત્રણ લોકોને ટાંકીનો પડેલો કાટમાળ વાગતાં તેઓ 8 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા.

ફાયરબ્રિગેડે ઝાડ, શેડ અને ટાંકીનો કાટમાળ જેસીબી વડે તોડ્યો હતો. કેટરિંગનો ધંધો હોવાના કારણે 30 જેટલા ગેસના બાટલા પણ ભરેલા હતા, જે ટાંકીના મુખ્ય ભાગ નીચે હતા, જેથી ચારથી પાંચ કલાક સુધી ટાંકીના કાટમાળને તોડીને ગેસનો બોટલો બ્લાસ્ટ થાય નહીં તે રીતે બહાર કાઢ્યા હતા.