અમદાવાદઃ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. જેના માટે હાર્દિક પટેલ સરદાર પટેલ સ્મારકે પહોંચ્યો છે. આ પહેલા હાર્દિકે કોંગ્રેસમાં જોડવાની જાહેરાત અંગે ટ્વિટ કર્યું હતું. કોંગ્રેસમાં જોડાતા પહેલા હાર્દિક સૌથી પહેલા કેશુભાઈ પટેલના આશિર્વાદ લેવા જવાનો હતો પરંતુ કોઈ કારણોસર હવે હાર્દિક મળવા જવાનો નથી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.




હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સમાજ અને દેશની સેવા માટેના મારા ઈરાદાને આકાર આપવા માટે મેં રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.



હું પણ એવું કહેવા માંગુ છું કે, જો કોઈ કાયદેસર અવરોધ ન આવે અને પક્ષ મને ચૂંટણી રાજનીતિમાં સ્થાન આપવાનો નિર્ણય કરે તો હું પક્ષના નિર્ણયનું પાલન કરીશ. હું આ પગલું ભારતના 125 કરોડ નાગરિકોને આપવા માટે લઈ રહ્યો છું.



એબીપી અસ્મિતાના શો હોટ ટોપિક વિથ રોનક પટેલમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસે દેશને ઘણી સારી વસ્તુઓ આપી છે તેથી હું કોંગ્રેસમાં જોડાઉં છું. હું જામનગરથી ચૂંટણી લડીશ અને જનતાનો અવાજ બનીશ. કોંગ્રેસનો ઈતિહાસ જોઈને હું પક્ષમાં સામેલ થાવ છું.