AHMEDABAD :  ખંભાતમાં થયેલી કોમી હિંસા અંગે મોટા સમાચાર સમયે આવ્યાં  છે. ખંભાતમાં થયેલી કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી છે. કોમી હિંસાના કામે નોંધાયેલી FIR ની તપાસ CID  ક્રાઇમ અથવા CBI  સોંપવા અરજીમાં માગણી કરવામાં આવી છે. નિષ્પક્ષ તપાસ માટે અન્ય તપાસ એજેન્સીને તપાસ આપવાની પણ માંગણી કરવામાં આવી છે.  આ સાથે  કોમી હિંસામાં થયેલી તોડફોડ બદલ વળતરની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે. 


રામનવમીના દિવસે બની હતી ઘટના 
આણંદના ખંભાતમાં 10 એપ્રિલે રામનવમીના દિવસે જૂથ અથડામણ થઇ હતી અને હિંસા ફાટી નીકળી હતી.   પથ્થરમારો કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી  કરી હતી. ખંભાત શહેર પોલીસે 61 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી  અને અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ  પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.  આ સાથે જ ખંભાત પોલીસે જૂથ અથડામણમાં સામેલ તોફાની તત્વોની પણ ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો તેમજ 1હજારના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. 


એકનું મૃત્યુ, 9 લોકોની ધરપકડ 
રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિજનોએ રાજ્ય સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી છે.ઘરના મોભીનું નિધન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગંધરકવાડા ખાતે રહેતા મૃતક કનૈયાલાલ રાણાના પરિવારમાં 3 બાળકો, ધર્મપત્ની અને માતાનો સમાવેશ થાય છે. મૃતકના પુત્રએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી.


10 પોલીસકર્મી સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા
રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા પર એક જૂથ દ્રારા પથ્થરમારો કરવામાં આવતા સ્થિતિ ગંભીર બની હતી. ત્યાર બાદ આમને સામને થયેલા પથ્થરમારામાં 10 પોલીસકર્મી સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસમાં પીઆઈ અને ડીવાયએસપીનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 2 દુકાનો અને 2 ઘરને આગ પણ ચાપવામાં આવી હતી.