અમદાવાદઃ અમદાવાદમાં નીકળનારી 143મી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રા પર રોક લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ સમક્ષ અરજી કરવામાં આવી છે અને અર્જન્ટ હિયરિંગની પણ માંગ કરવામાં આવી છે.

એક પત્રકાર દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં દાવો કરાયો છે કે, અમદાવાદની રથયાત્રામાં લાખો ભક્તો ભેગા થતા હોય, ત્યારે કોરોનાનું સંક્રમણ થવાનો ભય હોવાથી રથયાત્રા પર રોક લગાવવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પીઆઇએલ મુદ્દે નિર્ણય લેવામાં આવશે અને ક્યારે આ અંગે સુનાવણી કરવામાં આવશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. ત્યારે હવે હાઈકોર્ટ આ અરજી સંદર્ભે શું નિર્દેશો આપે છે તે જોવાનું રહેશે.



નોંધનીય છે કે, આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓરિસ્સામાં નીકળતી જગન્નાથ યાત્રા પર રોક લગાવી દીધી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદમાં રથયાત્રા નીકળે કે નહીં. ગઈ કાલે રૂપાણી સરકાર દ્વારા અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદમાં રથયાત્રા યોજાશે કે નહીં તેના સસ્પેંશ વચ્ચે જગન્નાથ મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરના બહાર ઘર બેઠા લાઈવ દર્શન કરોના પોસ્ટર્સ લગાવામાં આવ્યા છે.પોસ્ટરમાં સામાજિક અંતર જાળવવાની પણ અપીલ કરવામાં આવી છે. સાથે મંદિરની બહાર દર વર્ષની જેમ બેટીકેટ પણ મુકવામાં આવ્યા છે.