અમદાવાદઃ અમદાવાદના વૈષ્ણોદેવી ખાતે નિર્મિત સરદારધામ ભવનનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કેમ છો બધામાં મજામાં કહીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગણેશ ઉત્સવ પર સરદારધામ ભવનનું લોકાર્પણ થયું છે. તેમણે આજે ઋષિપાંચમનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે બધાને ઋષી પાંચમની પણ શુભકામના આપી હતી. આ સમયે તેમણે દેશવાસીઓને મિચ્છામી દુક્કડમ કહ્યું હતું. 

એક ભારત, શ્રેષ્ઠ ભારત સરદારનો સંકલ્પ છે.





તેમણે આ પ્રસંગે માનવ એકતા પર ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 9-11ના હુમલાને પણ યાદ કર્યો હતો. 9-11નો હુમલો માનવતા પર પ્રહાર છે. 

તેમણે પોતાના ભાષણમાં સુબ્રમણ્યમ ભારતીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે સુબ્રમણ્યમ ભારતની 100મી પુણ્યતિથિ છે. તેમણે  ઘોષણા કરી હતી કે, બનારસ યુનિવર્સિટીમાં સુબ્રમણ્યમ ભારતીના નામે તમિલ સ્ટડી શરૂ કરાશે.  બનારસ હિંદુ યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટીમાં રિસર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ સુબ્રમણ્યમ સ્વામી પર પણ હવે સ્ટડી કરી શકશે. 




પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારની છોકરી-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે.


PM મોદીએ વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં બિલ્ડિંગનો પ્રથમ તબક્કો 200 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એ અમદાવાદ-ગાંધીનગર સરહદી વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક 11,672 ચોરસફૂટ પર બંધાયું છે.


સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ, 1 હજાર કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઇ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જિમ, ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટ હાઉસ અને રાજકીય બેઠકો માટે અન્ય સુવિધાઓ છે.  આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ હોલ, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે. ભવનની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમા સ્થાપિત છે.