અમદાવાદ: વડાપ્રધાન નરેંદ્ર મોદી સાબરમતી આશ્રમ નવીનીકરણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. 1200 કરોડ રૂપિયાના ખર્ચે આશ્રમને રિડેવલપમેન્ટ કરાશે.  સાબરમતી આશ્રમને પાંચમાંથી 55 એકરમાં ફેલાવાશે. વારસો સચવાય રહે તે રીતે હૃદયકુંજ સહિતના 20 સ્થળોની ડિઝાઈન બનાવાઇ છે. કેફેટેરિયા, ઉદ્યોગમંદિર, ઓરીએન્ટેશન સેન્ટર ઉભું કરાશે. ભાષાનુવાદ કેન્દ્ર, લેક્ચર-સેમિનાર માટેની વ્યવસ્થા  ઉભી કરાશે. આર્કિટેક બિમલ પટેલે નવી ડિઝાઈન  તૈયાર કરી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી ખાતે પહોંચ્યા હતા અને તેમણે સાબરમતી આશ્રમ પુન:નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલા તેમણે 85 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું.


આ દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાને એક વિશેષ કામ સોંપ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, લોકો ગાઈડના રુપમાં આગળ આવે, ગાઈડની સ્પર્ધા કરવામાં આવે. કારણ કે અમદાવાદ હેરિટેજ શહેર છે. બાળકોની વચ્ચે સ્પર્ધા થાય કોણ બેસ્ટ ગાઈડનું કામ કરી શકે છે. સાબરમતી આશ્રમમાં બેસ્ટ ગાઈડની સેવા કરી શકે તેવા કોણ લોકો છે. એક વખત બાળકોમાં સ્પર્ધા થશે, દરેક સ્કૂલમાં સ્પર્ધા થશે તો અહીંના તમામ બાળકો જાણશે સાબરમતી આશ્રમ શું છે.   






વડાપ્રધાન મોદીએ આગળ વાત કરતા કહ્યું કે, 365 દિવસ આપણે નક્કી કરીએ કે પ્રતિ દિવસ અમદાવાદની અલગ-અલગ સ્કૂલના ઓછામાં ઓછા ઓક હજાર બાળકો સાબરમતી આશ્રમમાં આવી એક કલાક પસાર કરે. સ્કૂલના બાળકોના ગાઈડ બન્યા હશે તેઓ જણાવશે કે અહીં ગાંધીજી બેસતા હતા,અહીં જમતા, આ જગ્યા પર જમવાનું બનતુ હતું, અહીં ગૌશાળા હતી આ તમામ વાતો જણાવશે.  કોઈ અલગ બજેટની જરુર નથી, કોઈ મહેનતથી જરુર નથી. માત્ર એક નવો દ્રષ્ટિકોણ આપવાનો છે. મને વિશ્વાસ છે કે બાપુના આદર્શ રાષ્ટ્ર નિર્માણની આપણી યાત્રામાં વધુ માર્ગદર્શન કરતા રહેશે અને આપણને નવી તાકાત આપતા રહેશે.  


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે બાપુના વિચારો,આદર્શ,મૂલ્યોને વિશ્વભરમાં ફેલાવવાનો સંકલ્પ છે. 1200 કરોડના ખર્ચે આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે. આશ્રમના ટ્રસ્ટી અને આશ્રમવાસીઓનો ખુબ આભાર માનીએ છીએ. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ છે.