PM Modi Gujarat visit: ગુજરાતમાં વિધાનસભાને લઈને પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. આ કડીમાં બીજેપીના પ્રચારને વધુ વેગ આપવા પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે. તેઓ 30 સપ્ટેમ્બરે થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે. 30મી તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જનસભા યોજાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત પીએમ મોદી પખવાડિયામાં બે વખત રાજકોટ આવી શકે છે. કાર્યકરો-નેતાઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. વડાપ્રધાનના હસ્તે રાજકોટમાં અનેક સ્થળો ઉપર નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જામકંડોરણામાં જાહેરસભા યોજાઇ તેવી શક્યતા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત પ્રવાસે
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. હવે આ કડીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત, મેયર સમિટ, જનપ્રતિનિઘિ સંમેલન, મોરબી ખાતે યોજાનાર રોડ શો અને વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરશે
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરશે અને સાથે સાથે પ્રોફેસર સમિટ અને મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે. મોરબી ખાતે જિલ્લાના કાર્યકરો દ્વારા ભવ્ય રોડ-શો તારીખ 20 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. આ રોડ-શોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.
વિરાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપસ્થિત રહેશે
20 સપ્ટેમ્બરના રોજ ગાંઘીનગર ખાતે યોજનાર વિરાજંલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેં.પી.નડ્ડા ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા યોજનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે અને ઇ બાઇકને ફલેગ ઓફ કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત ભાજપના મેન્ડેટ ઉપર અલગ-અલગ ચૂંટણીઓમાં જે ઉમેદવારો વિજેતા થયા છે તે જનપ્રતિનિધીઓનું સંમેલન રાજકોટ ખાતે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ યોજનાર છે. પ્રવાસના બીજા દિવસ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠનના અલગ-અલગ પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યાર બાદ અમદાવાદ ખાતે પ્રોફેસર સમિટમાં વિવિધ ક્ષેત્રના અધ્યાપકઓ સમક્ષ ભારતીય જનતા પાર્ટીના વિચારોને રજૂ કરશે ત્યાર બાદ મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.