અમદાવાદ: ગુજરાત સરકાર હાલમાં એક પછી એક આંદોલનનો સામનો કરી રહી છે. જો કે રાજ્ય સરકારની ચિંતા હજુ વધવાની શક્યતા છે. કારણ કે, હવે એસટી નિગમનું સંગઠન સરકારની સામે પડ્યું છે. પોતાની 13 અલગ અલગ માંગણીઓના પડતર પ્રશ્નના ઉકેલ લાવવા ત્રણ સંગઠન મેદાને પડ્યા છે. ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડલ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ હવે સરકાર સામે કેટલીક માગો રાખી છે. 13 માંગણીઓના પ્રશ્ન મામલે 22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર છે.


ત્રણેય સંગઠનોની મુખ્ય માગણીઓ ઉપર નજર કરીએ તો,



  • ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેમાં વધારો અમલી

  • મોંઘવારી ભથ્થા પેટે 17 ટકાની ચુકવણી કરાઈ નથી

  • વર્ષ 1997 બાદ ભથ્થામાં કોઈ સુધાર નહિ

  • એસટીના કર્મચારીઓને સાતમા પગા પંચનો લાભ

  • હક્ક રજાની રોકડમાં ચુકવણીની પણ સરકાર સામે માગ

  • રોજમદાર,બદલી કામદાર અને વર્ગ 4ના કામદારોને એક્સગ્રેસીયા બોનસનો લાભ મળે


સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ


ગુજરાતમાં હાલ આંદોલનનનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓના મંડળોએ સરકાર સામે મોરચો માડ્યો છે. આંદોલનના ચક્રવ્યૂમાં ફસાયેલ રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. વિવિધ માંગણીઓને લઈને હવે ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચ માંડ્યો છે. વિવિધ માગોને લઈને આવતીકાલે ચોથા વર્ગના કર્મચારી ધરણા પ્રદર્શન કરશે. વર્ગ 4ના કર્મચારીઓની નિયમિત ભરતી, જૂની પેંશન સ્કીમ, 7મા પગારપંચના ભથ્થાઓનો લાભ, વય નિવૃત્તિ 60થી વધારી 62 કરવી, વર્ગ ચારના કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતરશે.


 ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની મોટી જાહેરાત


ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યું છે. પ્રશ્નોનો નિકાલ ન આવતા તારીખ 19-09-2022ના રોજ મિટિંગ બોલાવવામાં આવી છે. આગામી કાર્યક્રમો દિલ્હી ખાતે જંતરમંતર પર કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામા, ફિક્સ ભરતીની પ્રથા નાબુદ કરવામાં આવે, સમાન કામ સમાન વેતન, ફિક્સ પગારના છે તેમને પૂરા પગારમાં નિમણૂક આપે તેવી માગ કર્મચારીઓ કરી રહ્યા છે.


તો બીજી તરફ નિવૃત આર્મી જવાનોના આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નિવૃત્ત આર્મિ જવાનોની બેઠક નિષ્ફળ રહી છે. જેથી નિવૃત્ત આર્મી જવાનોના દેખાવો યથાવત રહેશે. માંગણીઓ સંદર્ભે લેખિત બાંહેધરી ન અપાતા નિવૃત્ત આર્મી જવાનો દેખાવો યથાવત રાખશે. નિવૃત્ત આર્મી જવાનો આવતીકાલે પોતાને મળેલા મેડલ રાજ્યપાલને પરત કરશે.