અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. એક ગુજરાતી વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર હરિદ્વારથી આવેલા પ્રહલાદ મોદી પાસે અદાણીના કર્મચારીઓએ પાર્કિંગ ચાર્જ લેતાં તેમણે હોબાળો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં એરપોર્ટ પર ગાડી પાર્ક કરી જ નથી, હું રોડ ટેક્સ ભરું છું તો પછી પાર્કિંગ ચાર્જ શા માટે આપું. હોબાળા બાદ તેમને પાર્કિંગ ચાર્જ લીધા વગર જવા દેવાયા.


આ વિવાદની માહિતી આપતાં પ્રહલાદ મોદીએ જણાવ્યું કે હું કારને હંમેશાં રોડ પર ઊભી રખાવીને ટર્મિનલમાં આવું ત્યારે ડ્રાઈવરને ફોન કરીને કાર મગાવું છું અને તરત જ બેસીને બહાર નીકળી જાઉં છું. ગઈકાલે પણ હરિદ્વારથી આવ્યા બાદ હું ટર્મિનલમાંથી બહાર નીકળ્યો ત્યારે કાર મગાવી, કારમાં બેસીને બહાર નીકળતો હતો ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે તેમની પાસે 90 રૂપિયા માગ્યા હતા.


 ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારી ગાડી 10 મિનિટ પણ ત્યાં રોકાઈ નથી તો પાર્કિંગ ચાર્જ શું કામ આપું? જો મારી કાર અડધો કે એક કલાક પાર્કિંગમાં મુકી હોય તો હું પાર્કિંગ ચાર્જ આપું. પરંતુ મેં પાર્કિંગમાં કાર મૂકી જ નથી તો ચાર્જ શું કામ આપું? અદાણીને એરપોર્ટનું સંચાલન કરવા માટે આપ્યું છે, તો ટર્મિનલની અંદરની વ્યવસ્થામાં ધ્યાન આપે. બહાર આવતાં વાહનો પાસે સરકાર રોડ ટેક્સ વસૂલે છે. આ વિવાદ દરમિયાન પાર્કિંગ કર્મચારીઓએ અધિકારીને ફોન કરી કાર જમા કરવાની વાત કરતા, મોદીએ કહ્યું હતું કે તમે કાર જમા લઈ કેસ કરી શકો છે, પરંતુ હું ચાર્જ તો નહીં જ ચૂકવું. જોકે આ સમય દરમિયાન અધિકારીનો સંપર્ક ન થતાં છેવટે ચાર્જ લીધા વગર તેમને જવા દીધા હતા.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે આવતા આંકડાઓ પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. મંગળવારે કોરોનોના કેસ અને કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.  રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે.