અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દુબઈ જેવા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. ભારતમા પ્રથમવાર આ પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, “આ પ્રકારનું આયોજન પહેલા વિદેશોમાં જ જોવા મળતું હતું પરંતુ આજે અમદાવાદમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલમાં બહારના વેપારીઓ પણ ભાગ લઈ રહ્યાં છે. આ ફેસ્ટિવલથી વેપારીઓનો ઉસ્તાહ વધશે.”
અહીં પીએમ મોદીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇને માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ એક સ્ટોલમાંથી 3 હજારની કોટી ખરીદી હતી. આ ખરીદી પર તેમને 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું, ડિસ્કાઉન્ટ બાદ 3 હજાર રૂપિયાની કોટી 2400 રૂપિયામાં ખરીદી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, “મને જણાવવામાં આવ્યું કે ગુજરાતના અલગ-અલગ ભાગમાંથી સ્ટ્રીટ વેન્ડરથી લઇને શોપિંગ મોલ સુધીના વેપારીઆ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાયા છે, હસ્તશિલ્પિઓથી લઇને ઇલેક્ટ્રોનિક્સ અને હોટેલ રેસ્ટોરાં સાથે જોડાયેલા કારોબારી પોતાના ઉત્પાદનોનો પ્રચાર-પ્રસાર કરવા અહીં આવ્યા છે. આ પ્રકારનું આયોજન પહેલા વિદેશોમાં જ જોવા મળતું હતું પરંતુ આજે અમદાવાદમાં પણ આયોજન કરવામાં આવ્યું છે જે સરાહનીય છે.
આ પહેલા શોપિંગ ફેસ્ટિવલમાં કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે વાઇબ્રન્ટથી ગુજરાત ધબકતું થયું છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતમાં રોકાણ વધી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે 30 ટકા એમઓયૂ ગાયબ થઇ જાય છે એનો મતલબ કે 70 ટકા એમઓયૂનો અમલ થયો છે. ગુજરાત કરતા નાના રાજ્યોમાં બેરોજગારીની સંખ્યા વધારે છે, ગુજરાતમાં માત્ર ૪ લાખ ૮૦ હજાર બે રોજગાર નોંધાયેલા છે. આ આંકડો દિવસે દિવસે ઘટી રહ્યો છે. અમદાવાદના વેપારીએ પોતાના સ્વબળે દુનિયાભરમાં ઓળખ ઉભી કરી છે. અમદાવાદ એવું શહેર સસ્તું અને સારું મળે છે. આ બિઝનેસને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.
આ ફેસ્ટિવલની ખાસ વાત એ છે કે અહીં ફેસ્ટીવલ દરમ્યાન ગ્રાહકોને આકર્ષવા માટે ઇનામનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગ્રાહકોને અંદાજીત 10 કરોડ સુધીના ઇનામો જીતવાની તક છે. ઇનામોમાં 12 જેટલી કાર અને લાખો રૂપિયાના બમ્પર ઇનામો પણ રાખવામાં આવ્યાં છે. દરેક મિનિટ ટુ મિનિટ, દર કલાક અને દરેક દિવસે આકર્ષણ ઇનામોની વણઝાર થશે.
અહીં ખાદી, હેન્ડી ક્રાફ્ટ તેમજ કચ્છી અને આર્ટ વર્કના સહિતના 800 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. ફેસ્ટીવલ દરમ્યાન ગ્રાહકોને 10થી 60 ટકા સુધીનું મળશે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ફેસ્ટિવલની 40 થી 45 લાખ લોકો મુલાકાત લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.