Police Raid: બોટાદ જિલ્લામાં થયેલા કેમિકલ કાંડ બાદ રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે અને અનેક વિસ્તારોમાં રેડ પાડી દેશી દારૂના અડ્ડાઓનો નાશ કરી રહી છે. પોલીસની રેડ દરમિયાન મોટી માત્રમાં દેશી દારુ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક બુટલેગરોની ધરપકડ પણ કરવામાં આવી છે.


ગાંધીધામમાં પોલીસની રેડ


પૂર્વ કચ્છ પોલીસે આમ તો દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ પર છેલ્લા ત્રણ મહિનાથી કડક કાર્યવાહી કરી છે. બોટાદના ચકચારી લઠ્ઠાકાંડ બાદ આ કાર્યવાહી વધુ કડક બનાવી છે. ગાંધીધામના કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ધમધમતા 13 દેશી દારૂના અડ્ડા ઉપર એલસીબી અને બી-ડિવિઝન પોલીસે તવાઇ બોલાવી છે. દરોડા બાદ 5 બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે 8 બુટલેગરો નાસી જવામાં સફળ રહ્યા હતા.


3 દિવસમાં દેશી દારૂના 231 કેસ 


તો બીજી તરફ બોટાદ જિલ્લાના કેમિકલકાંડ બાદ વડોદરા વિસ્તારમાં 3 દિવસમાં દેશી દારૂના 231 કેસ નોંધાયા છે. આ દરમિયામ પોલીસે 94 નાશાબાજોની અટકાયત કરી છે. આ ઉપરાંત 822 લીટર દેશી દારૂ કબજે કરાયો છે.


90 બુટલેગરો સામે ગુનો દાખલ 


ગાંધીનગર પોલીસે છેલ્લા પાંચ દિવસમાં 230 રેડ કરીને 2200 લીટર દેશી દારૂ-વોશ જપ્ત કર્યો છે. આ દરમિયાન 90 બુટલેગરો સામે ગુનો દાખલ કર્યો છે. ગાંધીનગર ડિવિઝનમાં સૌથી વધુ 70 બૂટલેગરોને ઝડપ્યાં છે. કલોલ ડિવિઝનમાંથી 900 લીટર દેશી દારૂ -વોશ ઝડપાયો છે.


15 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ


બરવાળા કેમિકલ કાંડનો ભોગ બનેલા 15 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે. લઠ્ઠકાંડમાં કેમિકલ પીધા બાદ ભાવનગરની સર.ટી. સિવિલ હોસ્પિટલમાં આ અસરગ્રસ્તોને દાખલ કરવામાં  હતાં. ભાવનગરની સર.ટી હોસ્પીટલમાંથી આજે 15 દર્દીઓને રજા અપાઈ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને ડિસ્ચાર્જ  અંગેની કાર્યવાહી કર્યા બાદ રજા આપવામાં આવી.પોલીસ તંત્ર દ્વારા પણ તેમની નોંધ કરવામાં આવી છે. 


અગાઉ 13 દર્દીઓ ભાગી ગયા હતા 
એક દિવસ અગાઉ  કેમિકલ કાંડનો ભોગ બનેલા 13 જેટલા દર્દીઓ સારવાર દરમિયાન સર.ટી. હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. આ બનાવ બાદ હોસ્પિટલ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી હતી.