કોરોના ની સંભવિત ત્રીજી લહેર ના ભણકારા વચ્ચે પોલીસ વિભાગ ની બેદરકારી ને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફ્રાંટલાઈન કોરોના વોરિયર અને સતત લોકો ની વચ્ચે રહીને કામ કરનાર પોલીસ જવાનો જ વેક્સિન નથી લઈ રહ્યા. અમદાવાદ માં હજુ ૪૫૮ એવા પોલીસ જવાનો છે કે જેમને વેક્સિન ના એક પણ ડોઝ નથી લીધો.


ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર માં કુલ ૧૫૬૯૦ પોલીસ જવાનો છે જેમાંથી ૧૫૨૩૨ જવાનો એવા છે કે જેમને વેક્સિન નો પહેલો ડોઝ લીધો છે જ્યારે ૧૪૭૦૧ પોલીસ જવાનો એ બંને ડોઝ લઈ લીધા છે. ત્યારે અમારી ટીમે પોલીસની આ બેદરકારી ને લઇને એડમિન જે સી પી અજય ચૌધરીનો સંપર્ક કર્યો અને વેક્સિન ના લેવા પાછળ નું કારણ પૂછતાં જાણવા મળ્યું છે કે ૪૫૮ પૈકી ઘણા પોલીસ જવાન એવા છે કે જેમને મેડિકલ પ્રોબ્લેમ ના કારણે નથી લીધા અને બાકીના જે પોલીસ જવાનો છે કે જે સંપૂર્ણ પણે સ્વસ્થ છે તે છતાં વેક્સિન નથી લીધા તેવા પોલીસ જવાનો ને વેક્સિન ઝડપથી લેવા માટે નો આદેશ આપવામાં આવશે.


કોરોના ની પહેલી અને બીજી લહેર માં રાજ્ય અને શહેર પોલીસ વિભાગે ઘણા પોલીસ જવાનો કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે શહેર પોલીસ બાકીના આ પોલીસ જવાનો ને કેવી રીતે ઝડપથી વેક્સિનેટેડ કરે છે.


કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 30 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,648 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. ગઈકાલે 4,96,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 142 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 138 નાગરિકો સ્ટેબલ છે. 8,15,648 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડ 5,  સુરત  કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3,  ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર 1, કચ્છ 1 અને નવસારીમાં 1 કેસ નોંધાયો છે.