અમદાવાદ: દેશને અડીને આવેલા પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં સર્જાયેલા એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની સાથે હવાના વાવાઝોડાની સ્થિતિ સર્જાતા ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.




ખાસ કરીને હિમાલિયન અને ઉત્તરના રાજ્યો તેમજ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગામી 24થી 48 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.



સમગ્ર રાજ્યમાં ગરમીના પારામાં વધારો થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતનું તાપમાન ત્રણ ડિગ્રી ઉપરાંત વધ્યું હતું. સુરતમાં 24 કલાક દરમિયાન ગરમી વધીને 35.4 અને રાત્રિનો પારો 17.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. આ સાથે વલસાડમાં પણ પારો 33.0 અને 15.0 ડિગ્રી નોંધાતા પંથકમાંથી ગરમી ગાયબ થઈ ગઈ હતી.



જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસ દરમિયાન પવનની ઝડપમાં પણ વધારો થવાની અને ધૂળની ડમરી છવાયેલી રહેવીની શક્યતા છે.