અમદાવાદ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા મામલે હિન્દુ એકતા રક્ષક સમિતિ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માનવસાંકળ બનાવીને RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર અને દેવાલયો ઉપર થતા હુમલાઓ મામલે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હિંદુ નેતાઓ એકઠા થયા હતા.  RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના ધારાસભ્યોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બાંગ્લાદેશ સામે કડક પગલાં ભરે તેની માંગ કરી છે.






વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ઉશ્કેરણીજનક નિવેદન કર્યું અને કહ્યું ગુજરાત સહિત ભારતમાં વસતા બાંગ્લાદેશી નાગરિકો ઉપર હુમલા શરૂ કરવામાં આવે તો જ બાંગ્લાદેશની સરકાર જાગશે. આ સાથે અશોક રાવલે માનવતાવાદી વિચારધારા ધરાવતા બુદ્ધિજીવીઓ અને એવોર્ડ વાપસી ગેંગ ઉપર પણ સવાલ ઉભા કર્યા અને કહ્યું જ્યારે ભારત દેશના હિંદુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે આવા સમયે આવા લોકો કેમ ચૂપ છે?


મહંત દિલીપદાસજી પણ વિરોધમાં જોડાયા


જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ વિરોધમાં જોડાયા અને બાંગ્લાદેશ અને ભારતના સંબંધ તોડી નાખવા માટે માંગ કરી. દિલીપદાસજીએ નિવેદન કર્યું કે હિન્દૂ ધર્મના મંદિર તોડી પાડવામાં આવતા હોય તેવા દેશ સાથે સબંધ રાખવાની આવશક્યતા ન હોવી જોઈએ અને આ દિશામાં કેન્દ્ર સરકારે ગંભીર બાબતે વિચાર કરવો જોઈએ


આ તરફ ભાજપના ધારાસભ્યોએ પણ માનવ સાંકળ રચી વિરોધ દર્શાવ્યો અને શહેર પ્રમુખ અમિત શાહે કેન્દ્ર સરકારને ગંભીર પગલાં ઉઠાવવા માંગ કરી. ધારાસભ્ય અમિત ઠાકરે દુનિયાના તમામ દેશોએ મધ્યસ્થી કરીને બાંગ્લાદેશ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. 


બાંગ્લાદેશમાં જ્યારથી તખ્તાપલટ થયો છે. ત્યાંના હિંદુઓની સ્થિતિ અત્યંત કફોડી અને દયનિય બની ગઈ છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવીને જ્યારથી મોહમ્મદ યુનુસ સત્તા પર આવ્યા છે ત્યા લઘુમતીઓમાં રહેલા હિંદુઓ પરના અત્યાચારો વધી ગયા છે. બાંગ્લાદેશમાં બહુમતીમાં રહેલા મુસ્લિમો લઘુમતી હિંદુઓની હત્યા કરી રહ્યા છે. તેમના પર પાશવી અત્યાચારો ગુજારી રહ્યા છે. આજે વિશ્વ માનવ અધિકાર દિવસ  નિમીત્તે અમદાવાદમાં બાંગ્લાદેશી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો સામે હિંદુ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ.