Gujarat Rain: નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ની આગાહી કરી છે, જેના કારણે ગરબાના રંગમાં ભંગ પડવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને, 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Continues below advertisement

શનિવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. રવિવારથી આ સિસ્ટમ આગળ વધતાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ પહેલા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, જેથી મહારાષ્ટ્રમાં તેની વધુ અસર થશે. ડિપ્રેશન બન્યાં બાદ તે આગળ વધશે અને તેના કારણે શનિવાર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

વરસાદનું કારણ અને અસર:બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે, જેના પગલે તંત્ર અને આયોજકોને સાવચેત રહેવા જણાવાયું છે.

Continues below advertisement

અમદાવાદ સહિત રાજ્યમાં ક્યારે ક્યાં વરસાદ?

આજે અમદાવાદ: શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શક્યતા છે.

27 સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ - નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે.

28 સપ્ટેમ્બર (ભારે વરસાદનો દિવસ): આ દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને અમદાવાદમાં 28 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે.

29 સપ્ટેમ્બર: આ દિવસે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે.

30 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગો જેમ કે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે.

નવરાત્રીના ઉત્સવ પર વરસાદનું વિઘ્ન આવવાની શક્યતા હોવાથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધી છે.