અમદાવાદ: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના બોપલ, શેલા, એસજી હાઈવે, સરખેજ, પ્રહલાદનગર, શિવરંજની, શ્યામલ, વેજલપુર, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે.  રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.  


હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં વહેલી સવારની અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર સુધીમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.  


રાજ્યભરમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મધ્ય વરસાદ (rain) વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થઇ શકે છે. 


નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા


ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. 90 હજાર ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ છે. સીઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 135 મીટર પર પહોંચી છે.  ડેમ મહત્તમ સપાટીથી માત્ર ચાર મીટર દૂર છે.  નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. 


નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. શિનોર તાલુકાના 11 અને કરજણ તાલુકાના 13 ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં   ન જવા માટે લોકોને સૂચના અપાઈ છે. 


નર્મદા ડેમના ટોટલ 9 ગેટ 1.50 મીટર સુધી ખોલાયા છે.નર્મદા ડેમમાંથી આ સિઝનમાં પ્રથમવાર છોડાયું 1 લાખ 35 હજાર ક્યૂસેક પાણી. ડેમની જળસપાટી 135 મીટર પર પહોંચી છે. હાલ 2 લાખ 66 હજાર ક્યૂસેક પાણીની આવક છે. નવ દરવાજા ખોલી પાણી છોડાતા નદી કાંઠાના ગામ એલર્ટ પર છે. 


ગુજરાતના ડેમની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યના કુલ 207માંથી  પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 141માંથી  પૈકી 35ઓવરફ્લો થયા છે. તો કચ્છના 20 પૈકી 6 અને દક્ષિણ ગુજરાતના 13 પૈકી 6 જળાશયો  છલોછલ થયા છે.


રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 68.13 ટકા જળસંગ્રહ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં કુલ 53.12 ટકા, કચ્છના 20 ડેમોમાં કુલ 51.70 ટકા જળસંગ્રહ છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં કુલ 74.96 ટકા જળસંગ્રહ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાયોમાં 48.26 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.41 ટકા પાણીનો જથ્થો છે.


રાજ્યના 206 પૈકી 88 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે તો 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર છે. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 69.64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 87.17 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 83.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં  78.49 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 52.06 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં  52.67 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


Gujarat Rain Update: ગુજરાતમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી